વિદેશી મીડિયાનો દાવો: ભારતે પાકિસ્તાનમાં 20 વોન્ટેડ આતંકીની હત્યા કરાવી
અમદાવાદ: ભારત હવે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનમાં એકપછી એક ‘દુશ્મન’ ખતમ થઈ રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓને મારવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે વિદેશી ધરતી પર વસતા આતંકવાદીઓને ખતમ કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના બનાવી છે અને એ જ વ્યૂહરચનાનાં ભાગરૂપે પાકિસ્તાનમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર અધિકારીઓનો દાવો છે કે 2020થી અત્યાર સુધીમાં 20 હત્યાઓ થઈ છે. જો કે, ભારતે આ આરોપોને નકારી કાઢ્યા છે.
રિપોર્ટમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને મોટો દાવો કર્યો છે. જેમાં બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) એ 201 પુલવામા હુમલાની ઘટના પછી રાષ્ટ્રીય સુરક્ષા માટે બોલ્ડ અભિગમ અપનાવ્યો અને કથિત રીતે વિદેશમાં તેના દુશ્મનોને ખતમ કરવા માટે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુપ્તચર એજન્સી RAW સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય દ્વારા નિયંત્રિત છે. દિલ્હીએ એવા લોકોને નિશાન બનાવવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. જેને તે ભારતના દુશ્મન માને છે.
‘કેનેડા અને અમેરિકાએ પણ આક્ષેપો કર્યા હતા’
વોશિંગ્ટન અને ઓટાવાએ પણ ભારત પર આક્ષેપો કર્યા હતા. કેનેડાએ તેના પર શીખ આતંકવાદી અને અન્યની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. આમાં ભારતની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. એ જ રીતે ગયા વર્ષે અમેરિકાએ પણ તેના પર બીજા શીખ આતંકવાદીની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
‘ભારતના દુશ્મનોને પસંદગી કરી મારવામાં આવી રહ્યા છે’
2020થી ભારતે પાકિસ્તાનમાં ઝડપી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 20 લોકો માર્યા ગયા છે. આ પહેલા પણ ભારત આ હત્યાઓ સાથે અનૌપચારિક રીતે જોડાયેલું હતું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ભારતીય ગુપ્તચર કર્મચારીઓએ પાકિસ્તાનમાં કથિત કાર્યવાહી અંગે ચર્ચા કરી છે. આ હત્યાઓમાં RAWની સીધી ભૂમિકા સાથે સંબંધિત દસ્તાવેજો પણ જોવામાં આવ્યા છે. આરોપોમાં એ પણ ખુલાસો થયો છે કે ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પસંદ કરીને ખતમ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને આ ઓપરેશન પાકિસ્તાન અને પશ્ચિમી દેશોમાં પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં WhatsApp થયું ડાઉન!
‘મોટાભાગના સ્લીપર સેલ યુએઈથી કામ કરે છે’
પાકિસ્તાની તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આ હત્યા મોટાભાગે UAEથી કાર્યરત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવે છે. 2023 પછી હત્યાઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે UAEથી કાર્યરત સ્લીપર સેલ સ્થાનિક ગુનેગારો અથવા પાકિસ્તાનના ગરીબોને લાલચ આપીને લાખો રૂપિયાની મદદથી આ હત્યાઓને અંજામ આપે છે. ગોળીબારને અંજામ આપવા માટે ભારતીય એજન્ટોએ કથિત રીતે જેહાદીઓની ભરતી પણ કરી છે.
‘પુલવામા હુમલા બાદ ભારત એક્શન મોડમાં આવ્યું’
રિપોર્ટ અનુસાર, બે ભારતીય ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર RAWએ 2019માં પુલવામા હુમલો થયો ત્યારે વિદેશમાં બેઠેલા ભારતના દુશ્મનોને ખતમ કરવાની યોજનાને આગળ ધપાવી હતી. પુલવામામાં એક આત્મઘાતી બોમ્બરે કાશ્મીરમાં સૈન્ય કાફલાને નિશાન બનાવ્યું, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. મોદી તે સમયે તેમના બીજા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા હતા અને હુમલા પછી સત્તામાં પાછા ફર્યા હતા.
આ પણ વાંચો: PM મોદીની વાલીઓને ખાસ સલાહ, બાળકો સાથે ક્યારેય આ ભૂલ ના કરો
‘દુશ્મનોને મારવા માટે અગાઉથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો’
એક ભારતીય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, પુલવામા બાદ સરકારનો અભિગમ બદલાઈ ગયો છે. તેઓ દેશની બહાર બેઠેલા દુશ્મનો પર હુમલો કરે અથવા કોઈ ખલેલ પહોંચાડે તે પહેલા તેમને નિશાન બનાવશે. તેમણે કહ્યું કે અમે હુમલા રોકી શક્યા નથી કારણ કે તેમના સુરક્ષિત આશ્રયસ્થાનો પાકિસ્તાનમાં હતા. તેથી અમારે સ્ત્રોત સુધી પહોંચવું પડ્યું. તેમણે કહ્યું કે આવી કામગીરી કરવા માટે સરકારના ઉચ્ચ કક્ષાએથી મંજૂરી લેવી જરૂરી છે.
‘પાકિસ્તાને ભારત પર હત્યાની આશંકા વ્યક્ત કરી’
બે અલગ-અલગ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને 2020 થી અત્યાર સુધીમાં 20 હત્યાઓમાં ભારતીય સંડોવણીની શંકા છે. તેમણે સાત કેસનો ઉલ્લેખ કર્યો અને આ કેસોમાં પૂછપરછ કરવામાં આવેલા લોકોની વાત ટાંકી. જેમાં સાક્ષીઓની જુબાની, ધરપકડનો રેકોર્ડ, નાણાકીય વિગતો, વોટ્સએપ મેસેજ અને પાસપોર્ટનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓનું કહેવું છે કે પાકિસ્તાનની ધરતી પર ટાર્ગેટ કિલિંગ માટે ભારતીય જાસૂસો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુત્રોએ દાવો કર્યો હતો કે, 2023માં ટાર્ગેટ કિલિંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં લગભગ 15 લોકોના શંકાસ્પદ મૃત્યુમાં ભારત સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. જેમાંથી મોટા ભાગનાને અજાણ્યા બંદૂકધારીઓએ નજીકથી ગોળી મારી હતી.