July 1, 2024

INDvsBAN: શું બાંગ્લાદેશ સામે સુપર-8માં રમશે સંજુ સૈમસન? રોહિત-દ્રવિડે આપ્યા સંકેત

T20 World Cup: ટીમ ઈન્ડિયા આજે શનિવારે T20 વર્લ્ડ કપ 2024માં પોતાની બીજી સુપર-8 મેચમાં બાંગ્લાદેશ સામે એન્ટિગુઆના નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચમાં ભારતની નજર સેમી ફાયનલમાં પોતાની જગ્યા નક્કી કરવા પર રહેશે. આ વખતના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હજુ સુધી અજેય રહી છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે બાર્બાડોસમાં પોતાની પહેલી સુપર-8ની મેચમાં અફઘાનિસ્તાનને હરવતા પહેલા પહેલી 4 ગ્રુપ મેચો માંથી 3માં જીત મેળવી હતી. જ્યારે કેનેડા સામેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

ભારતની ત્રણેય સુપર-8 મેચોમાં માત્ર એક જ દિવસનું અંતર છે. ખાસ વાત તો એ છે કે ત્રણેય મેચો જુદા જુદા કેરેબિયન મેદાનો પર રમાશે. એવામાં ટીમને લાંબી મુસાફરી પણ કરવી પડી રહી છે. અફઘાનિસ્તાન સામે બાર્બાડોસમાં મેચ રમ્યા બાદ બાંગ્લાદેશ સામે મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા એન્ટિગુઆ પહોંચી ગઈ છે.

ટ્રાવેલિંગમાં વધુ સમય વિતાવવાને કારણે ટીમ મેનેજમેન્ટે શુક્રવારે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે એક વૈકલ્પિક ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું હતું. મોટાભાગના રેગ્યુલર ખેલાડીઓ આ ટ્રેનિંગ સેશનથી દૂર રહ્યા. માત્ર કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, સંજૂ સૈમસન અને રિઝર્વ બોલર ખલીલ અહમદ જ ટ્રેનિંગ સેશનમાં હાજર રહ્યા હતા. કોચિંગ સ્ટાફમાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ પણ હાજર રહ્યા હતા.

એક સ્પોર્ટ્સ મીડિયા અહેવાલ મુજબ, આ બંને ખેલાડીઓએ લગભગ બે કલાક સુધી ટ્રેનિંગ સેશનમાં પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન સંજૂ સૈમસન જે અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી કરવામાં આવ્યા, તેઓ રોહિત શર્મા સાથે એક જ નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા બંનેએ સંજૂ સૈમસનને નેટ પ્રેક્ટિસ સેશનને લઈને ઘણી જ સતર્કતા રાખી અને તેમની સાથે ચર્ચા પણ કરી હતી. જે જોઈને શક્યતા સેવવામાં આવી રહી છે કે ભારત આજે શનિવારે બાંગ્લાદેશ સામે રમાનાર મેચમાં સૈમસનને તક આપી શકે છે.

કોની જગ્યા લેશે સૈમસન?

ટી20 વર્લ્ડ કપ ટુર્નામેંટમાં અત્યાર સુધી ખરાબ પ્રદર્શન કરનાર શિવમ દુબે સંજૂ સૈમસન માટે જગ્યા કરવા માટે યોગ્ય વિકલ્પ છે. દુબેએ ટુર્નામેન્ટની 4 મેચોમાં 83માં સ્ટ્રાઈક રેટની સાથે માત્ર 44 રન બનાવ્યા છે. જેમાં ન્યુયોર્કની રફ પિચ પર અમેરિકા સામે અણનમ 31 રન તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ સામેલ છે. જોકે, ચિંતાનો વિષે એ છે કે દુબેને માત્ર અને માત્ર તેમના લોંગ શોટ ફટકારવાની આવડતને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તે અત્યારસુધીની મેચોમાં 53 બોલમાં માત્ર બે 6 મારવામાં સફળ થયા છે. એટલું જ નહી કેપ્ટન રોહિત શર્માએ દુબેને બોલિંગની તક પણ ઓછી આપી છે.

દુબેએ માત્ર એક જ મેચમાં બોલિંગ કરી છે. ટીમમાં પહેલેથી 6 બોલરનો વિકલ્પ છે એવામાં ટીમ મેનેજમેન્ટ એક સ્પેશિયાલિસ્ટ બોલરને મેદાને ઉતારી શકે છે. જોકે, દુબેને સામેલ કરવાને લઈને એ ચોક્કસ વિચારવા જેવી વાત હશે કે ભારતના બેટિંગ લાઇન-અપમાં એક લેફ્ટ હેન્ડ બેટ્સમેન ઓછો થઈ જશે.

એ પણ જોવા જેવી વાત છે કે જો સૈમસનને રમવાની તક આપવામાં આવે છે તો તેમને કયા ક્રમે ઉતારવામાં આવશે. ટીમ મેનેજમેન્ટ તેમને ચોથા અથવા પાંચમા ક્રમે ઉતારી શકે છે. અથવા તો , ફરી એકવાર વિરાટ કોહલીને ઓપનર તરીકેનું ફોર્મ જોતાં સંજૂ સૈમસનને ઓપનર તરીકે પણ ઉતારી શકે છે. જોકે, આમ કરવાથી સમગ્ર બેટિંગ ઓર્ડર વેરવિખેર થઈ જશે.