January 24, 2025

રાજકોટમાં દિવાળીની રાતે બે અકસ્માતની ઘટના, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાયું

Rajkot: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. ત્યારે રાજકોટમાં દિવાળીની રાતે બે અકસ્માતની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટના કોટેચા ચોકમાં ફોર્ચ્યુનર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. ગાત્રાડ લખેલી કારના ચાલકે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. બ્લેક કલરની ફોરચ્યુર્નર કારના ચાલકે બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ સિવાય અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના કોટેચા ચોકમાં ફોર્ચ્યુનર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં કાર ચાલકે 8 થી 9 વાહનોને હડેફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 થી 6 લોકોને ઇજા પહોંચી હતી. તો અકસ્માતમાં 9 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલક હિરેન પ્રસાદીયા હોવાનું સામે આવ્યું છે. તેમજ હિરેન નશાની હાલતમાં હોવાની ચર્ચા થઈ રહી છે. હાલ માલવિયાનગર પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફોર્ચ્યુન કારમાં એક મહિલા સહીત 3 વ્યક્તિ હતા. સમગ્ર ઘટનાને પગલે એસીપી ,ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: પહેલાં મોટી-મોટી વાતો… હવે સુરક્ષાની માગ, પપ્પુ યાદવ પર ભડક્યા બ્રિજભૂષણ શરણ સિંહ

વધુમાં દિવાળીની રાત્રિએ અકસ્માતની બીજી ઘટના સામે આવી હતી. રાજકોટના અયોધ્યા ચોક પાસે BRTS રૂટ પર અકસ્માત સર્જાયો હતો. વ્હાઇટ એન્ડેવર કાર ચાલકે બાઈક સવાર યુવાનોને હડફેટે લીધા હતા. GJ 10 DE 2509 નંબર ની કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો છે. કારમાં બેઠેલા અન્ય વ્યક્તિની અટકાયત કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. તેમજ કાર ચાલક નબીરો પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. BRTS રૂટ પર વાહન ચલાવવાનો પ્રતિબંધ છતાં નબીરાઓને પોલીસનો ડર નથી.