સુરતમાં માલધારી સમાજની ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ
અમિત રૂપાપરા, સુરત: મહારાષ્ટ્ર બાદ સુરતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે. માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ગૌહત્યા અટકાવી ચાલતા કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરવાની પણ માંગ કરી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવી છે. જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે. ગૌમાતા પ્રત્યે લોકોમાં એક ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. તે જ કારણ છે કે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે માંગને લઈ સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આજરોજ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરચો લઈ આવેલા માલધારી સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી ગૌ હત્યા અટકાવવા અને ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સમસ્ત હિન્દુ સમાજમાં ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગૌમાતા સર્વ હિન્દુ સમાજના લોકો માટે પૂજનીય છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. જે દુઃખની બાબત બનીને સામે આવી છે. ભાજપની સરકાર હોવા છતાં હિન્દુ સમાજમાં પુંજનીય ગણાતી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં સરકારની ચુપકીદી છે. જેથી તાત્કાલિક ધોરણે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી સમસ્ત હિન્દુ અને માલધારી સમાજ દ્વારા માંગ કરાઇ છે.