May 20, 2024

ટી-શર્ટ ઊંચી કરવા મામલે કુલપતિનો મોટો ખુલાસો, કહ્યું- આવી કોઈ ઘટના નથી બની

અમિત, સુરત: પરીક્ષામાં વિદ્યાર્થીનીની ટી-શર્ટ ઊંચી કરી તપાસવા મામલે મોટું અપડેટ સામે આવી છે. આ મામલે VNSUGના કુલપતિએ આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી. વાત આખે આખી ઉપજાવી નાખવામાં આવી છે. તેમજ બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ક્વોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી નાખી હતી.

મળતી માહિતી અનુસાર ગઇકાલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાને લઇ વિવાદ સામે આવ્યો હતો. VNSGUની સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીનીનું પરીક્ષા દરમિયાન ટી-શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો થઇ ગયો હતો. VNSGUની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા માટે સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. જ્યારે આ વર્ષે પહેલી વખત મહિલા સ્કવોડની ટીમ તૈયાર કરાઈ હતી. પરંતુ ચેકિંગ કરતા વખતે ટી-શર્ટ ઉંચુ કરવાનું કહેતા મામલો બગડ્યો હતો.

જોકે, હવે આ મામલે VNSUGના કુલપતિએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આવી કોઈ ઘટના બની નથી. વાત આખે આખી ઉપજાવી નાખવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે. જેમા આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે જે વિદ્યાર્થીએ વાત ઉપજાવી નાખી હશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે.

નોંધનીય છે કે આ મહિલા સ્કવોડની ટીમ ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરુચ ખાતે ગઈ હતી. આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હતું. સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી