January 24, 2025

IMAએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને લખ્યો પત્ર, ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવાની કરી માંગ

Indian Medical Association: કોલકાતા મહિલા હત્યા કેસના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશ (IMA)ને બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખીને અનેક મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે. IMAએ સ્વાસ્થ્ય મંત્રીને લખેલા પત્રમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ માટે કાયદો બનાવવાની વિનંતી કરી હતી.

IMAએ જેપી નડ્ડા પાસેથી માંગણી કરી હતી કે એપિડેમિક ડિસીઝ એમેન્ડમેન્ટ એક્ટ, 2020ના સંશોધિત ભાગ અને કેરળ સરકારના કોડ ગ્રે પ્રોટોકોલને ડ્રાફ્ટ બિલ 2019માં સામેલ કરવામાં આવે. IMAએ લખ્યું છે કે, ‘અમે માંગ કરીએ છીએ કે ડ્રાફ્ટ બિલ 2019 એ એપિડેમિક ડિસીઝ એમેન્ડમેન્ટ એક્ટ, 2020ના સંશોધિત ભાગ અને કેરળ સરકારના કોડ ગ્રે પ્રોટોકોલને વટહુકમના રૂપમાં ભારતના ડૉક્ટરોના મનમાં વિશ્વાસ જગાડવા માટે જાહેર કરવામાં આવે.

કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો
પત્રમાં આઇએમએએ ડોકટરોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરતા કેન્દ્રનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જો કે, એસોસિએશને કહ્યું કે આ પગલાં હોવા છતાં, દેશમાં ડોકટરોની સુરક્ષા અંગે હજુ પણ ચિંતાઓ છે. પત્રમાં અગાઉના ચાર ડોકટરોના મૃત્યુનો પણ ઉલ્લેખ છે જેમણે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પત્રમાં ડોકટરોની સલામતી, કામકાજ અને નિવાસી ડોકટરોની રહેવાની સ્થિતિ અને આરજી કાર મેડિકલ કોલેજની ઘટના અંગે જરૂરી પગલાં લેવા માટે નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) ને જવાબદારી સોંપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ પ્રશંસા કરવામાં આવી હતી.