December 23, 2024

IAS પૂજા ખેડકરની માતાની દબંગાઇ, પિસ્તોલથી ખેડૂતને ધમકાવવાનો વીડિયો સામે આવ્યો

Pooja Khedkar Mother Controversy: મહારાષ્ટ્રની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર હાલમાં તેના વિવાદોને કારણે સતત ચર્ચામાં છે. ઓડીમાં લાલ બત્તી અને VIP નંબર પ્લેટની માંગણીને કારણે તેની પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજા ખેડકરની મુસીબતો હજુ ઓછી નથી થઇ ત્યાં તેની માતા મનોરમ ખેડકરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં પિસ્તોલ લઈને દબંગાઇ કરતી જોવા મળી રહી છે. IAS ઓફિસ પૂજા ખેડકરના પરિવારને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. તેમની માતા મનોરમા ખેડકર અહેમદનગર જિલ્લાના ભાલગાંવ ગામના સરપંચ છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂજાના પિતા દિલીપ ખેડકરે પુણેના મૂળશીમાં 25 એકર જમીન ખરીદી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મનોરમા ખેડકર હાથમાં પિસ્તોલ લઈને ખેડૂતને ધમકાવતી જોવા મળી રહી છે.

મહિલા હાથમાં પિસ્તોલ લઈને ખેડૂતોને ધમકાવી રહી હતી
પૂજાની માતા મનોરમા ખેડકર ફોર્ચ્યુનર કારમાં સ્થળ પર પહોંચી હતી અને બાઉન્સર પણ તેની સાથે હતા. તે મરાઠી ભાષામાં વાત કરી રહી હતી. દબંગ મહિલાએ ખેડૂતને ધમકી આપી અને કહ્યું કે જો તમે ગેટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તો જેલમાં નખાવી દેશે. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ખેડકર પરિવાર પડોશી ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બાઉન્સરોએ ખેડૂતો પર હુમલો કર્યો
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ખેડૂતોએ મનોરમા ખેડકરનો વિરોધ કર્યો તો તેમના બાઉન્સરોએ તેમના પર હુમલો કર્યો. દબંગ મહિલા પણ વારંવાર પિસ્તોલ બતાવી રહી હતી. પીડિતોએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. જોકે આ મામલો બે મહિના જૂનો છે, પરંતુ હવે વીડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.