December 25, 2024

મેં રાજીનામું આપ્યું નથી, અમારી પાસે બહુમતી છે: સુખવિંદર સિંહ સુખુ

Himachal Political Crisis: હિમાચલ પ્રદેશમાં મંગળવારે એક રાજ્યસભા બેઠક માટે મતદાન થયું હતું. આ દરમિયાન રાજ્યના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી. મતદાનના પરિણામ શરૂઆતમાં હરીફાઈ એકતરફી દેખાતી હતી, પરંતુ બાદમાં તમામ રાજકીય સમીકરણો જટિલ બનતા દેખાયા હતા. નોંધનીય છે કે કુલ 68 મતોમાંથી કોંગ્રેસના ઉમેદવાર ડો. અભિષેક મનુ સિંઘવીની તરફેણમાં 34 અને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં 34 મત પડ્યા હતા. ટાઈ થવાને કારણે નિયમ મુજબ ચિઠ્ઠીઓનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ સ્લિપમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનું નામ સામે આવ્યું અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જેના કારણે હવે કોંગ્રેસ સરકાર સંકટનો સામનો કરી રહી છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર આજે રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધ્વનિ મતથી બજેટ પસાર થયું
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ધ્વનિ મતથી બજેટ પસાર કરવામાં આવ્યું છે, માહિતી અનુસાર વિપક્ષના કોઈ પણ સભ્ય ગૃહમાં હાજર રહ્યાં નહોતા. બીજી બાજુ હિમાચલ પ્રદેશ વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલું બજેટ સત્ર નિર્ધારિત સમયના એક દિવસ પહેલા પૂરું થઈ ગયું છે.

પક્ષપલટા વિરોધી કાયદા સામેની અરજી પર સુનાવણી ચાલી રહી છે
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાની ચેમ્બરમાં પક્ષપલટા વિરોધી કાયદા વિરુદ્ધની અરજી પર ચર્ચા અને સુનાવણી ચાલી રહી છે. આ અરજી શાસક પક્ષના સભ્યોએ દાખલ કરી હતી. હાલ આ સુનાવણી રોકી દેવામાં આવી છે. ચાર વાગ્યે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. શાસક પક્ષના સભ્યોએ ક્રોસ વોટિંગના મામલામાં ધારાસભ્યો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીની માંગ કરતી અરજી દાખલ કરી છે.

સીએમ સુખુનો દાવો, ભાજપના ધારાસભ્ય સંપર્કમાં છે
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે જે ધારાસભ્યો ભાજપ સાથે છે તેઓ પણ અમારા સંપર્કમાં છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે ભાજપ નાટક કરી રહી છે અને તે એક સારા કલાકાર છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે.

હિમાચલના રાજકીય સંકટ પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
હિમાચલના રાજકીય સંકટ પર પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ‘લોકશાહીમાં સામાન્ય લોકોને તેમની પસંદગીની સરકાર પસંદ કરવાનો અધિકાર છે. હિમાચલના લોકોએ આ અધિકારનો ઉપયોગ કર્યો અને સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનાવી છે, પરંતુ ભાજપ પૈસાના બળ, એજન્સીઓની તાકાત અને કેન્દ્રની સત્તાનો દુરુપયોગ કરીને હિમાચલવાસીઓને કચડી નાખવા માંગે છે. આ હેતુ માટે ભાજપ જે રીતે સરકારી સુરક્ષા અને મશીનરીનો ઉપયોગ કરી રહી છે તે દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.”

વધુમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘જો 25 ધારાસભ્યો ધરાવતી પાર્ટી 43 ધારાસભ્યોની બહુમતીને પડકારી રહી છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તે પ્રતિનિધિઓની ખરીદી પર નિર્ભર છે. તેમનું આ વલણ અનૈતિક અને ગેરબંધારણીય છે.હિમાચલ અને દેશની જનતા બધુ જોઇ રહી છે, કુદરતી આફત વખતે રાજ્યની જનતા સાથે ન ઉભેલી ભાજપ હવે રાજ્યને રાજકીય આફતમાં ધકેલવા માંગે છે.

‘ભાજપનો સરકારને પડાવવાનો કોઈ ઈરાદો નથી’
હિમાચલ પ્રદેશ વિધાનસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હાઈકમાન્ડ હિમાચલ પ્રદેશની રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલ ભાજપ સરકારને તોડી પાડવાનો કોઈ ઈરાદો નથી. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. જો કોંગ્રેસમાં ભાગલા પડશે તો ભાજપ તેના પત્તાં જાહેર કરશે.

સીએમ સુખુએ હજુ રાજીનામું આપ્યું નથી: નરેશ ચૌહાણ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના મુખ્ય મીડિયા સલાહકાર નરેશ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. નરેશ ચૌહાણે કહ્યું કે મુખ્યમંત્રીએ પદ પરથી રાજીનામું આપ્યું નથી. આ માત્ર અફવા છે. હિમાચલ પ્રદેશમાં સુખવિન્દર સિંહ સુખુના સ્થાને મુકેશ અગ્નિહોત્રી સીએમ બનશે અને વિક્રમાદિત્ય સિંહને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. નિરીક્ષકોની બેઠક અને દિલ્હીમાં નેતૃત્વને જાણ કર્યા બાદ સાંજ સુધીમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. નિરીક્ષકોના અહેવાલ બાદ નેતૃત્વ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

જેપી નડ્ડાના સંપર્કમાં છે જયરામ ઠાકુર
હિમાચલ પ્રદેશના રાજકિય હલચલ વધુ તેજ થઇ રહી છે. કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળો ઘેરાય રહ્યાં છે. માહિતી અનુસાર બીજેપી વિધાયક દળના નેતા જયરામ ઠાકુર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નેતાના સતત સંપર્કમાં છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ નિરીક્ષકને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જોકે, તેમણે હજુ સુધી રાજ્યપાલને કોઈ રાજીનામું આપ્યું નથી.