January 23, 2025

અમદાવાદ આવ્યા ગૃહમંત્રી અમિત શાહ, કર્યું 447 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ દ્વારા 447 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપતા અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં પીએમ મોદી અને અમિત શાહની જોડીને સુરાજ્યની પ્રેરક જોડી ગણાવતા કહ્યું હતું કે વિશ્વ નેતા નરેન્દ્ર મોદી અને કર્મઠ અમિતની જોડી સુરાજ્યની પ્રેરક છે. સુરાજ્યને કારણે ત્રીજીવાર દેશની કમાન તેમને સોંપાઈ છે. આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, આજે વિકાસનો પણ પર્વ છે. મોદીએ જ્યારથી દેશની કમાન સંભાળી ત્યારથી જ દેશ વિકાસ કરી રહ્યો છે. લોકોની જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે. અમિત શાહના હસ્તે આજે અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. નાના ફેરિયાઓ આત્મનિર્ભર બને તે માટે શાકભાજી માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે જેણે ગુજરાતની નવરાત્રિ નથી જોઈ તેને ગુજરાતને ઓળખ્યુ નથી. આજથી નવરાત્રી શરૂ થઈ છે. 9 દિવસ આરાધના દિવસ સમગ્ર ગુજરાત અને ભારતની અંદર ઉજવાય છે.. વિકાસ કાર્યોને લઈને ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે 919 કરોડનાં કામનું લોકાર્પણ અને ખાત મુર્હૂત એક કાર્યક્રમથી થઈ રહ્યું છે. સૌથી મહત્વનું કામ તો એ સ્કૂલ શરુ કરવાનું કર્યું છે.

વધુમાં ગૃહમંત્રી અમિત શાહે AMCનો આભાર માનતા કહ્યું હતું કે AMCનો આભાર માનું છું કે મારા મત વિસ્તારમાં આવતી તમામ શાળા સ્માર્ટ બનાવી છે. જો AMC સ્કૂલની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે ભારતનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. અનેક ગરીબ પરિવારમાંથી બાળકો શાળામાં આવે છે અને ગર્વથી કહે છે કે મારા વાલી શાક વેચે છે પણ તેઓ અભ્યાસમાં હોશિયાર છે. AMC એ બાળક ભવિષ્ય નિર્માણનું જે કામ કયું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. અમદાવાદ, કલોલ, ગાંધીનગરમાં 23,951 કરોડનાં કામને મંજૂરી આપવામાં આવી છે. મોદી સાહેબે 14000 કરોડનું લોકાર્પણ કર્યું છે. એકલા ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 37000 કરોડનાં કામ છેલ્લા 5 વર્ષમાં થયા છે.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ, ઓવરબ્રિજ હોસ્પિટલ, શાળા આરોગ્ય કેન્દ્ર, તળાવનું નવીનીકરણ સહિતના કામ કરવામાં આવ્યા છે. કોઈ કામ કરવાના બાકી રાખ્યા નથી. વધુમાં તેમણે જનતાને સ્વચ્છતાને લઈને અપીલ કરતાં કહ્યું હતું કે કમિશનર સાહેબે શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવાનું બીડું ઝડપ્યું છે. શહેરને સર્વેક્ષણમાં નંબર વન બનાવવાનું છે. કોર્પોરેશન નંબર વન બને તે માટે તમામ પ્રયાસ કરવાનો છે. આ વર્ષે ભલે નંબર વન ન બને પરંતુ આવતા વર્ષે નંબર વન બને તેના પ્રયાસ કરવાના છે. સ્વચ્છતા અભિયાન મોદીએ શરૂ કર્યું હતું ગાંધી પછી બીજા નેતા મોદી હતા જેમણે આ કામ શરૂ કર્યુ. સ્વચ્છતા સંસ્કારથી આવે તે મુજબનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.