News 360
Breaking News

ભરૂચમાં ઇલ્લાજીની નનામી કાઢી હોળીની ઉજવણી

જય વ્યાસ, ભરૂચ: શહેરના જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.

ભરૂચના જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. અહીં પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.

લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે પરંતુ હોલિકા દહનના કારણે તેની રાખ જોઈ ખૂબ દુઃખી થઈ જાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબ જ આળોટે છે. જેના કારણે તેમાંથી અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે. આ રંગોના કારણે ત્યારથી જ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ સમગ્ર કથાને આજે પણ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો અને રહેવાસીઓ માને છે. આથી જ આ વર્ષે પણ તેમણે ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયાં હતા.