December 23, 2024

પાકિસ્તાનની ચૂંટણીમાં હિન્દુ મહિલા ડો. સવીરા પ્રકાશનો પરાજય

Pakistan General Elections 2024: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બાદ મત ગણતરી શરૂ છે. વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ શરીફ પોતપોતાની બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે. માહિતી અનુસાર હિન્દુ મહિલા ડો. સવીરા પ્રકાશે પણ પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી લડી હતી. હવે સવીરાની સીટનું પરિણામ આવી ગયું છે. ડૉ.સવીરા પ્રકાશ નામની આ મહિલા પાકિસ્તાનના ઉત્તર-પૂર્વ ખૈબર પખ્તુન્ખ્વા પ્રાંતની બુનેરની બેઠક પરથી ચૂંટણી લડનાર પ્રથમ હિંદુ મહિલા છે. મળતી માહિતી અનુસાર બુનેર બેઠક પર ડો. સવિરાને હારનો સામનો કરવો પડ્યો છે. પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર રિયાઝ ખાન બુનેરથી જીત્યા છે. આ ચૂંટણીમાં ડો. સવીરાને માત્ર 1754 વોટ જ મળ્યા હતા.

પાકિસ્તાન (Pakistan)માં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને ઘણા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે, મતદાનની ટકાવારી વધારે ન હતી અને માત્ર 45% મતદારોએ મતદાન કર્યું હતું. ઈમરાન ખાન (Imran Khan)ની પાર્ટી પીટીઆઈ (PTI)ના સભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી છે અને નવાઝ શરીફ (Nawaz Sharif)ની પીએમએલ-એન (PML-N)ને ટક્કર આપી રહ્યા છે. પરંતુ આ વખતે પાકિસ્તાનમાં કંઈક એવું થયું જે ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું. પાકિસ્તાનમાં પહેલીવાર એક હિન્દુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતના બુનેર જિલ્લામાંથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. ચૂંટણી લડનાર મહિલા હિન્દુ ઉમેદવારનું નામ ડો. સવીરા પ્રકાશ છે.

લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર: ડો. સવીરા
સવીરા ભલે જીતી ન શકી પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન તેને લોકોનો પ્રેમ અને સમર્થન મળ્યું હતું. લોકોએ સોશિયલ મીડિયા પર પણ ડો. સવીરાને સપોર્ટ કર્યો હતો. ઈમરાનની પીટીઆઈ પાર્ટી દ્વારા સમર્થિત ઉમેદવાર ઈમરાનની લોકપ્રિયતાને કારણે જીતી ગયા છે, પરંતુ પહેલીવાર ચૂંટણી લડી રહેલી ડો. સવિરાએ પણ પોતાની છાપ છોડી દીધી. સવીરાએ લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.