November 15, 2024

Heat Stroke Death: દિલ્હીમાં ગરમીથી મોતનું તાંડવ, સફદરજંગમાં 24 કલાકમાં 11ના મોત

Heat Stroke Deaths in Delhi: રાજધાની દિલ્હી સહિત દેશભરમાં અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાંક દિવસોથી ગરમી હાહાકાર મચાવી રહી છે. દિલ્હીમાં ગરમી જીવલેણ બનતી જઈ રહી છે. લોકો હીટસ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. સફદરજંગ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં લૂ લાગવાને કારણે 33 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તો, હોસ્પિટલમાં પહેલેથી દાખલ લૂના દર્દીઓ અને નવા દાખલ થયેલ દર્દીઓમાંથી છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ, સેન્ટર ફોર હોલિસટીક ડેવલપમેન્ટના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 જૂનથી 19 જૂન દરમિયાન દિલ્હીમાં 192 ઘરવિહોણા લોકોના ગરમીને કારણે મોત થયું છે.

એક દિવસમાં 142 મૃતદેહોના અંતિમ સંસ્કાર

દિલ્હીમાં હવે હીટસ્ટ્રોકને કારણે થયેલ મોતનો આંકડો ડરાવી રહ્યો છે. દિલ્હી નિગમ બોધ ઘાટ પર મૃતદેહોની લાઈનો લાગી છે. કોરોના કાળ બાદ ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું છે. બુધવારે નિગમ બોધ ઘાટ પર કોરોના કાળ બાદ સૌથી વધુ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ગઇકાલે રાત્રે 12 વાગ્યા સુધી 142 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દિલ્હીના નિગમ બોધ ઘાટ પર આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધીમાં 1101 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ

દિલ્હીમાં લઘુત્તમ તાપમાને છેલ્લા 55 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના સફદરજંગ કેન્દ્રના જણાવ્યા અનુસાર 18 જૂનની રાત્રી લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ એટલે કે 35.2 ડિગ્રી નોંધાયો હતો. જે ગત 1969 બાદ સૌથી વધુ છે. 23 મે 1972 ના રોજ લઘુતમ તાપમાન 34.9 ડિગ્રી નોંધાયો હતો.

બુધવારે રાતથી ફરી બદલાઈ હવામાનની પેટર્ન

ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાથી દિલ્હી-NCRમાં અચાનક હવામાન બદલાયું હતું અને કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પર્વતોથી મેદાનો સુધી હવામાનની પેટર્ન બદલાઈ છે.

23 જૂનથી ફરી વધશે તાપમાન, હીટ વેવને લઈને યલો એલર્ટ

મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની સંભાવના છે. 23મી જૂનથી ફરી એકવાર તાપમાનમાં વધારો થઈ શકે છે અને ફરીથી હીટ વેવની સ્થિતિ સર્જાઇ શકે છે. જેને લઈને હાંમાં વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 23 થી 25 જૂન સુધી તાપમાન 45 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના છે.