સુપરફુડ તરીકે પ્રખ્યાત ચીયા સીડ વિશે જાણો

Health Tips: આપણે બધા હવે હેલ્ધી ફુડ તરફ વળ્યા છીએ. અમુક પ્રકારના સીડ્સ યંગસ્ટર્સના ફેવરીટ થઇ ગયા છે. ત્યારે આજે આપણે એવા જ એક ફેમસ ચીયા સીડની વાત કરીશું. ચીયા સીડને સુપરફુડ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણા શરીરને સુપરપાવર્સ પુરા પાડે છે.
ચીયા સીડ મુખ્યત્વે કાળા અને સફેદ એમ બે રંગોમાં જોવા મળે છે. ચીયા સીડના દાણા ખુબ જ નાના હોય છે. તેમજ તે આલ્ફા-લિનોલીક એસિડનો ભરોસાપાત્ર સ્ત્રોત છે. આ સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેમજ વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન E, નિયાસિન, થાયમીન, ફોલેટ, જેવા વિટામિન જોવા મળે છે. આથી જ ચીયા સીડને સુપરફૂડ કહેવામાં આવે છે. 2 ચમચી ચીયા સીડમાં 5 ગ્રામ પ્રોટીન, 9 ગ્રામથી વધુ ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ,આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન B1 અને B3 ભરપૂર માત્રામાં જોવા મળે છે.
ચીયા સીડનાં ફાયદા
હાલની આપણી દોડધામ વાળી લાઇફસ્ટાઇલ અને ખોરાકને જોતા લોકો વજન ઘટાડવા પર વધુ ફોક્સ કરી રહ્યા છે, ત્યારે તેમના માટે ચીયા સીડ વધુ ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. જેને ડાયજેશનમાં સમય લાગે છે. તેના કારણે તમારું પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને તમે વધારે ભોજન કરવાથી બચો છો. પેટ અને કમરની આજુબાજુ ફેટ ઓછું થાય છે. ચીયા સીડમાં એન્ટી ઇન્ફલામેન્ટરી પ્રોપર્ટીઝ છે. જે સોજા સહિતની બીમારીઓનું જોખમ ઘટાડે છે. આ સીડ્સનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી સંક્રમણ ફેલાવતી બીમારીઓનું જોખમ ઘટે છે. ચીયા સીડ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજો પુરા પાડે છે, જે બોન્સ માટે ખુબ ઉપયોગી છે.
ચીયા સીડથી થતા નુકશાન
જેમનું બ્લડ પ્રેશર ઓછું હોય તેમજ જેઓ બ્લડ થિનર લેતા હોય એ લોકોએ ચીયા સીડનું સેવન ન કરવું જોઇએ. સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ ચીયા સીડનું સેવન કરવું જોઈએ. ચીયા સીડનું સેવન કરતી વખતે એક જ વારમાં મોટી માત્રામાં સેવન ન કરવું. ચિયા સીડ્સનું વધારે પડતુ સેવન કરવાથી ડાયજેશનમાં તકલીફ પડે છે. કોઇપણ સર્જરી દરમિયાન ચીયા સીડનું સેવન ન કરવું જોઈએ. ચીયા સીડના વધુ પડતા સેવનથી ઝાડા, ઉલ્ટી, એલર્જી અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.