September 12, 2024

3 વખત હેલમેટ વગર પકડાય તો ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવા હાઇકોર્ટનું સૂચન

અમદાવાદ: આજે ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓને લઈને સુનાવણી કરવામાં આવી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક સમસ્યા મુદ્દે ચીફ સેક્રેટરીને તમામ વિભાગો સાથે સંકલન કરવા કહેવાયુ છે. વધુમાં, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, હેલમેટ સહિતના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. વધુમાં, નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવા પણ કહેવાયુ છે.

ગુજરાત સરકાર દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે 9 ઓગસ્ટના અમદાવાદ સીપી અને જેસીપી સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજાઈ. 21 ઓગસ્ટના રોજ ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, સીપી અમદાવાદ સહિતના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું કે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 1 થી 19 ઓગસ્ટ સુધીમાં કુલ 41401 કેસ દાખલ કરવામાં આવ્યા છે. 1 થી 19 ઓગસ્ટ સુધીમાં ગેરકાયદે પાર્કિંગ બદલ 2100 કેસ નોંધાયા છે.

તેમજ, ટ્રાફિક વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા હેલમેટ ન પહેરનાર વાહનચાલકોને પણ જાગૃત કરાઈ રહ્યાં છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ માટે ચોક્કસ લોકેશન પર પણ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ઉભા રાખવામાં આવે છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે લોકોનો સહકાર પણ જરૂરી છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વરસાદે મચાવી તબાહી! IMDએ આ જીલ્લામાં આપ્યું યલો એલર્ટ

તો સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું. હાઇકોર્ટે સૂચન કર્યું કે જો કોઈ વ્યક્તિ 3 વખત હેલમેટ વિના પકડાય છે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકાય. તો, હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ-ચલણ શરૂ કરવા નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે ફિઝિકલના બદલે ઈ-ચલણ આપવા જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ છે એવા સમયે તમારે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પણ હાઇકોર્ટે સૂચન કર્યું હતું.

તો, હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા નથી મળી રહીં. દિલ્હી અને દેહરાદૂનમાં કોઈ પણ વ્યક્તિ હેલમેટ વિના જોવા નથી મળતુ. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટે વિગતો માંગી હતી. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અને તેને ભરવા માટેનો રોડમેપ સાથે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. 3 વખત ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ ચોક્કસ દિવસ માટે સસ્પેન્ડ કરવા અંગે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે.