October 5, 2024

ઈઝરાયલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, શાળાને બનાવી નિશાન; 34 લોકોના મોત

GAZA: ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે બુધવારે ગાઝામાં હવાઈ હુમલો કર્યો. જેમાં 34 લોકોના મોત થયા. જેમાં 19 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ હવાઈ હુમલામાં યુએનની એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્થાપિત લોકો હાલમાં શાળામાં રહી રહ્યા હતા. હુમલામાં 18 લોકો ઘાયલ થયા છે.

ગાઝામાં સતત હુમલા બાદ ત્યાંના લોકોમાં ભય અને આતંકનું વાતાવરણ વધી રહ્યું છે. સલામત ગણાતી શાળાઓ પર જ હુમલા થઈ રહ્યા છે. આ પહેલીવાર નથી કે ગાઝામાં યુએનની શાળા જ્યાં વિસ્થાપિત લોકો રહેતા હતા તેને નિશાન બનાવવામાં આવી છે.

શું કહ્યું ઈઝરાયલની સેનાએ?
આ હુમલા બાદ ઈઝરાયલની સેનાએ કહ્યું કે તે હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે જેઓ નુસીરત શરણાર્થી કેમ્પ સ્થિત શાળાની અંદરથી હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને ઈઝરાયલે હમાસના આતંકીઓને મારવા માટે આ હુમલો કર્યો હતો.

34 લોકોના મોત થયા છે
ગાઝામાં શાળા પર થયેલા આ હુમલામાં 34 લોકોના મોત થયાના અહેવાલ છે. જેમાં 19 મહિલાઓ અને 2 બાળકોના પણ મોત થયા છે. તેમજ આ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે માહિતી આપી હતી કે આ હુમલામાં પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સી (UNRWA)ના છ કર્મચારીઓના મોત થયા છે.

આ પણ વાંચો: PM મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ એક્સટેન્શન લાઇનનું કરશે ઉદ્ઘાટન

“10 મહિનાથી મારી દીકરીને જોઈ નથી”
મૃતક બાળકોમાંથી એક ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીના સભ્ય મોમિન સેલ્મીની પુત્રી હતી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. મોમીન સેલ્મી હુમલા બાદ ઘાયલોને બચાવવાનું કામ કરે છે. એજન્સીએ જણાવ્યું હતું કે સેલ્મીએ તેની પુત્રીને 10 મહિના સુધી જોઈ ન હતી કારણ કે તે ઉત્તર ગાઝામાં કામ કરવા માટે રહ્યો હતો જ્યારે તેનો પરિવાર દક્ષિણમાં ગયો હતો. પરંતુ તે તેની પુત્રીને ફરી ક્યારેય જોઈ શકશે નહીં.

ગત વર્ષથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલના હુમલા અને સ્થળાંતરના આદેશોને કારણે ઘર છોડવાની ફરજ પડી હતી અને આ તમામ વિસ્થાપિત લોકો હાલમાં ગાઝાની શાળાઓમાં રહી રહ્યા છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં ગણપતિ વિસર્જનના વરઘોડા પર પથ્થરમારો, સ્થિતિને કાબૂમાં લેવા કલમ 144 લાગુ કરાઈ

યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલે ગાઝાની શાળાઓ પર ઘણી વખત હુમલો કર્યો છે, જેના પર તેનું કહેવું છે કે હુમલા પાછળનું કારણ એ છે કે શાળામાં હમાસના આતંકવાદીઓ છુપાયેલા છે, તેથી જ તેણે આ શાળા પર હુમલો કર્યો.

90% શાળાઓને નુકસાન
યુનિસેફ, એજ્યુકેશન ક્લસ્ટરે જુલાઈમાં એક સર્વે હાથ ધર્યો હતો, જે મુજબ ગાઝામાં સતત હુમલાને કારણે 90% થી વધુ શાળાની ઇમારતોને ગંભીર અથવા આંશિક રીતે નુકસાન થયું છે અને જે શાળાઓમાં વિસ્થાપિત લોકો રહે છે તેમાંથી અડધા શાળાઓમાં હુમલા થયા છે.

40 હજારથી વધુ લોકોના મોત
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 41,084 પેલેસ્ટાઈનના મોત થયા છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. તેમજ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 95,029 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે આ યુદ્ધમાં હમાસ દ્વારા 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં 1,200 લોકો માર્યા ગયા છે.