હરણી બોટકાંડની અર્ધવાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ નેતા ધરણા કરે તે પહેલા જ અટકાયત
વડોદરાઃ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં પિકનિક માટે ગયેલા બાળકોની બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહિત બે શિક્ષકોનાં મોત નીપજ્યા હતા. ત્યારે આ ઘટનાને આજે છ મહિના જેટલો સમય વીતી ગયો છે. છતા પાલિકાના વહિવટીતંત્રએ તપાસના નામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા ભોગ બનનાર બાળકો અને શિક્ષકોના પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હરણી બોટકાંડની અર્ધવાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા કરવામાં આવ્યા છે.
હરણી બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય માટે કોંગ્રેસે દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ આજે પીડિત પરિવારો સાથે આ ધરણા કાર્યક્રમ કરવાના હતા, જેના પગલે ગાંધીનગર ગૃહ પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન ધરણાની પરવાનગી ન હોવાથી પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચો: એક અરજી થઈ અને બીલીમોરા પાણી પુરવઠા વિભાગનું રૂ. 9 કરોડનું કૌભાંડ બહાર આવ્યું
તમને જણાવી દઈએ કે, પોલીસે દુર્ઘટના બાદ 58 દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીઓના 124 પાના તેમજ પુરાવાના 2795 પાના રજૂ કરવામાં આવ્યા છે. આમ કુલ, 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં નિષ્ણાતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બોર્ટ દુર્ઘટનામાં પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી હતી. SITની ટીમે આ સમગ્ર કામગીરી પર નજર રાખી હતી.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં 18 જાન્યુઆરીએ આ કરુણ ઘટના સર્જાઈ હતી. જેમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો પિકનિક મનાવવા માટે આવ્યા હતા. ત્યારે તળાવની વચ્ચે બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 14 લોકોનાં મોત નીપજ્યા હતા. જેમાં બે શિક્ષક સહિત 12 બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં ઓવરવેઇટને કારણે બોટ પલટી ખાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બોટિંગ દરમિયાન કોઈ સેફ્ટીના નિયમો પણ ફોલો કરવામાં આવતા નહોતા.