હલદ્વાની હિંસાઃ લેડી કોન્સ્ટેબલની આપવીતી – ધાબેથી કાચની બોટલ અને ઇંટો ફેંકતા હતા…
Haldwani Violence Riots: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલદ્વાની સ્થિત બનભૂલપુરામાં હિંસાને કારણે કર્ફ્યૂ લગાવી નાંખ્યો છે. આ સાથે જ દેખો ત્યાં ઠારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ હિંસક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે એક વીડિયોમાં મહિલા પોલીસકર્મીએ હિંસક ટોળાથી માંડ માંડ બચ્યા હોવાની વાત જણાવી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિલા પોલીસકર્મી ટોળાને કાબૂમાં લેવા માટે ટીમ સાથે પહોંચી હતી. હાલ ઘાયલ પોલીસકર્મીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, ‘અમે માંડ માંડ બચીને ભાગી શક્યા હતા. મહિલા અને પુરુષોની ભીડ ધાબા પરથી અને રસ્તાઓ પર ઉતરીને પથ્થરમારો કરી રહી હતી. ગલીઓમાં ચક્કાજામ કરી નાંખ્યો હતો જેથી અમે ભાગીને બહાર ના નીકળી શકીએ. બચવા માટે અમે 15-20 પોલીસકર્મીઓ એક ઘરમાં ઘુસી ગયા હતા. પરંતુ બહાર ઉભેલા ટોળાએ આગ લગાવવાની કોશિશ કરી હતી. અમે ઉપરી અધિકારીઓને બહુ મુશ્કેલીથી લોકેશન મોકલ્યું હતું. ઘણાં સમય પછી અમારી ફોર્સ અમને એ ઘરમાંથી સહીસલામત બહાર કાઢી લાવી હતી. જ્યારે અમને લઈ જતા હતા ત્યારે ધાબા પરથી ફેંકેલા પથ્થર ફોર્સને વાગતા હતા. કાચની બોટલ અને ઇંટોથી પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. જે લોકોએ અમારો જીવ બચાવ્યો હતો તેમની સાથે પણ હુમલાખોરોએ બબાલ કરી હતી. તેમના દરવાજા સહિતનો સરસામાન તોડી નાંખ્યો હતો.’
આખી રાત ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઉત્તરાખંડના હલદ્વાનીમાં ભારે હિંસા બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને હિંસાખોરોને જોતાં જ ગોળી મારી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદના નામે કરેલા અતિક્રમણને તોડવા પહોંચેલી ટીમ પર પથ્થરમારા બાદ આગચંપી કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ ડઝનેક વાહનો ફૂંકી માર્યા છે. કેટલાય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ હાઇલેવલ મીટિંગ બોલાવી છે અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સૂચના આપી છે.