November 24, 2024

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ત્યારે રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં તેમણે આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી હતી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગે આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘ગતરોજ અમદાવાદનું તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું. આમ ગાંધીનગર રાજ્યનું સૌથી ગરમ સિટી બન્યું છે.’

આ પણ વાંચોઃ પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનું ‘રેડ એલર્ટ’, જાણો તંત્રની તૈયારી

તેઓ આગળ કહે છે કે, ‘અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, કચ્છ, મહેસાણા અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘પશ્ચિમ દિશામાંથી ઉત્તર-પશ્ચિમી પવન ફંકાશે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદ બાદ અચાનક જ ગરમીનો પારો વધી ગયો હતો અને સમગ્ર રાજ્યમાં પારો ઉંચકાયો હતો.

આ પણ વાંચોઃ નાના ભાઈને પત્ની સાથે ઝગડો થતા એસિડ ગટગટાવ્યું, મોટાભાઈએ પણ આઘાતમાં આપઘાત કર્યો

અમદાવાદીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં
અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્રએ પણ ગરમીને લઈને પૂરતી તૈયારી કરી નાંખી છે.