એપ્રિલમાં તોફાન-વંટોળ આવશે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઃ અંબાલાલ પટેલ
અમદાવાદઃ રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. દિવસે કાળઝાળ ગરમી અને રાતે ઠંડક અનુભવાય છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહે તેવી આગાહી કરી છે. તો આવો જાણીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે…
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વૈશાખીની આગાહી કરી છે. તેમણે કહ્યુ છે કે, ‘એપ્રિલ મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં તોફાન-વંટોળવાળું હવામાન રહે તેવી પણ સંભાવના છે. મકાનોનાં પતરાં ઉડી જાય તેવો ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.’
આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોરના વિધાનસભા અધ્યક્ષ પર નામ લીધા વગર પ્રહાર
ગરમી અંગે આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ‘કાળઝાળ ગરમી પડશે અને તાપમાનનો પારો પણ સતત વધશે. માર્ચ મહિનાનાં અંતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. જ્યારે એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા પડી શકે છે.’
ગુજરાતના હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. આ સિવાય આજે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી યથાવત્ રહેશે. રાત્રિના સમયે બનાસકાંઠા, અમદાવાદ, આંણદ વડોદરા ગરમ રહેશે. આ ઉપરાંત અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે.’
આ પણ વાંચોઃ સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપાયું, 3ની ધરપકડ
ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ હતો
ગઈકાલે હવામાન વિભાગની આગાહીથી તદ્દન વિરુદ્ધ માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો હતો. વહેલી સવારથી જ ત્યાં વાદળછાયું વાતારણ જોવા મળ્યું હતું. તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.