May 20, 2024

અમદાવાદ: ધોમધખતા તાપમાં શ્રમિક પરિવારના બાળકોને ચંપલનું વિતરણ

અમદાવાદ: અમદાવાદમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં બપોરના સમયે ગરમીનો પારો 41 ડિગ્રીને આસપાસ પહોંચી ગયો છે અને આ દરમિયાન શહેરના રસ્તાઓ ડામર પણ પીગળી રહ્યા છે. આવામાં એક સેવાભાવી સંસ્થા દ્વારા રસ્તા પર રહેતા બાળકોને અને તેમના પરિવારજનોને મફત ચંપલનું વિતરણ કર્યું હતું.

અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ‘ડ્રીમ ફાઉન્ડેશન’ એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાતમંદ પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહ્ય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ બાબતની દરકાર કરીને શહેરની સામાજિક સંસ્થા ‘ડ્રીમ ફાઉન્ડેશન’ તરફથી પ્રોજેકટ કદમ અંતર્ગત મફત ચંપલનું વિતરણ કર્યું હતું.

વસાહતમાં અંદાજે 70 જેટલા બાળકોને તેઓના માપ અનુસાર ચંપલનું વિતરણ કરવામાં આવ્યું. રસ્તા પર ધોમધખતા તાપમાં રોડ પર જ પોતાના પેટનો ખાડો ભરવા માટે આ બાળકો ગાડી સાફ કરવાનું તેમજ નાનામોટા કામ કરતા હોય છે પરંતુ તેઓ પાસે ચંપલ ન હોવાથી પગમાં છાલા પણ પડી શકે છે. જેથી ‘ડ્રીમ ફાઉન્ડેશન’ તરફથી પ્રોજેકટ કદમ અંતર્ગત મફત આવા બાળકોને શહેરમાં શોધીને તેઓને ચંપલનું વિતરણ કરવામાં આવે છે.