July 1, 2024

Gujarat Rain: રાજ્યભરમાં મેઘો મહેરબાન, સાર્વત્રિક વરસાદથી ધરતી ભીંજાઇ

Gujarat Rain: આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં આજે સારો વરસાદ થયો છે. આજે વરસેલા વરસાદને કારણે ભારે ઉકળાટ અને બફારાથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
ભાવનગરના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ 
ભાવનગર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ઘોઘા સર્કલ, બોર તળાવ, કાળાનાળા, નિલમબાગ, કાળીયા બીડ, વિરાણી સર્કલ, ચિત્રા, નારી ચીકડી, મેન બજાર, સહિત વિસ્તારોમાં અનરાધાર વરસાદ થયો છે. વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમદાવાદમાં સમીસાંજે મેઘ મહેર
આજે અમદાવાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ  થયો હતો. વરસાદ થવાને કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ, ઇસ્કોન ક્રોસ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ છૂટવાનો સમય હોવાથી ટ્રાફીકમાં વધારો થયો હતો. અમદાવાદના એસજી હાઇવે, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જીવરાજ પાર્ક, શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.
અમદાવાદમાં સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો 
આજે વરસાદ આવતા જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. શહેરના પકવાન ચાર રસ્તા, માનસી ચાર રસ્તા, શિવરંજની અને નહેરુનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. શિવરંજની રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદ વરસતા વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલીના લીલીયામાં વરસાદી ઝાપટાં 
અમરેલી જિલ્લામાં પણ આજે મેઘમહેર થઈ છે. અમરેલીના લીલીયા પંથકમાં અનરાધાર વરસાદ થયો હતો. લીલીયા શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા તો, લીલીયાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. લીલીયાના ભોરીંગડા ગામે ધોધમાર 3 ઇંચ વરસાદ થયો હતો. જેને કારણે ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાયાં હતા. ભોરીંગડા ગામમાં 1-1 ફૂટ વરસાદી પાણી ભરાયા હતા. તો ભારે વરસાદને કારણે ભોરીંગડા ગામની સ્થાનીક નદીની સાથે તમામ નાળાઓ પણ વહેતા થઈ ગયા હતા.

મોરબીના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આમ તો વરસી રહ્યો છે પરંતુ જે રીતે વિધિવત ચોમાસાની શરૂઆતમાં વરસાદ થવો જોઈએ તે હજુ થયો નથી. પરંતુ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સામન્ય વરસાદથી મોરબી શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે નગર દરવાજા, સાવસર પ્લોટ, રવાપર રોડ, શનાળા રોડ તેમજ જુના વિસ્તારમાં માત્ર 20 મિનિટ વરસાદમાં પાણી ભરાઈ જતા વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે પ્રી મોન્સૂન ની પોલ ખુલી ગઈ છે લાખો રૂપિયા પાલીકા એ બગડ્યા પ્રજા ના તેમ છતાં વરસાદી પાણી નો નિકાલ ન થતા વેપારીઓ ને કામ ધંધા કરવામાં તકલીફ પડે છે. તો બીજી બાજુ, મોરબીના ટંકારામાં લજાઈ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો
તો, આજે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. યાત્રાધામ પાવાગઢ અને ગોધરા સહિત અન્ય વિસ્તારમાં વરસાદ થયો છે. જાણવા મળી રહ્યું છે કે પાવાગઢમાં ધોધમાર તો ગોધરામાં ઝરમર વરસાદ થયો હતો. જેને પગલે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘમહેર
ધોરાજીમાં આજે સતત ચોથા દિવસે ગાજવીજ સાથે મેઘરાજાની પધારામણી થઈ છે. ધોરાજી સાંજના સમયે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ધોરાજીમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત ચોથા દિવસે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

પારડીમાં ધોધમાર વરસાદથી વાહન ચાલકો થયા પરેશાન
વલસાડના પારડીમાં ધોધમાર વરસાદ થયો છે જેને લઈને વાહન ચાલકો ખાસ્સા પરેશાન થયા હતા. આજે વરસેલા ભારે વરસાદને કારણે મુંબઈ અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ભારે વરસાદને કારણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં, ચંદ્રપુર ગામે નેશનલ હાઇવે 48 ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પારડી નજીક હાઇવે પર પાણી ભરાઈ જાય છે. ઘુટણ સમા પાણી ભરાતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

સાપુતારા તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ આજે વરસાદ શરુ થયો હતો. સાપુતારાના નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદ થયો હતો. વરસાદ પડતા સાપુતારાનું પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યું. પર્વતો ઉપર ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો. આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણાં ઉતરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

નવસારીમાં સરેરાશ એક ઇંચ વરસાદ
નવસારી જિલ્લામાં વહેલી સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં પ્રથમ વખત 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. જેમાં, ખાસ કરીને નવસારીના જલાલપુર તાલુકામાં મેઘ મહેર થઈ છે. આંકડા પર નજર કરીએ તો નવસારી, જલાલપોર અને ખેરગામમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ થયો છે.