November 18, 2024

શૂરવીર તો ઠીક અહીં તો સિંહણની પ્રતિમા, ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ

અમરેલી:  “રાણી તું હાવજ કૂળની ને રાજમાતા ગીરની, કૈક નરબંકા ને જણ્યા, તું ધન્ય સાવજ જનની…”  ગીરની ઓળખ એટલે હાવજ (સાવજ). ગીરનું ઘરેણું હાવજને એમ જ નથી કહેવાયું. અહિંયાના લોકોને સિંહ માટે ખુબ જ ભાવ જોવા મળે છે. તેના કેટલાય ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે ફરી એક વખત એવો જ કિસ્સો અમરેલીમાં બન્યો છે. અમરેલીમાં આવેલા લીલીયા વિસ્તારના ક્રાંકચમાં રાજમાતા સિંહણનું મોત થતા ત્યાંના સ્થાનિક લોકોએ સિંહણની પ્રતિમાની સ્થાપના કરી છે. આ રાજમાતા સિંહણના નામે ત્રણ ત્રણ વિશ્વવિક્રમ પણ છે.

સિંહણ કેવી રીતે બની રાજમાતા
અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં આ સુંદર ગામ ક્રાંકચ આવેલું છે. આ ગામમાં શેત્રુંજી નદી વહી રહી છે. ઈ.સ.1999માં ક્રાંકચ ગામની શેત્રુજી નદી કાંઠે પહેલી વાર આ સિંહણ જોવા મળી હતી. આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણએ સમગ્ર વિશ્વમાં સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોવાથી ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિનું ગામની સીમમાં તેની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા સ્વ.ખર્ચે ક્રાંકચના બવાડી નજીક ઊંચા ટેકરા પર રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે.

રાજમાતાના નામે ત્રણ વિશ્વવિક્રમ
રાજમાતા અને તેના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો. હવે તેની સ્મૃતિ કાયમ જળવાય રહે તેવુ કામ ગામ લોકોએ કર્યું છે. રાજમાતા સિંહણના નામે 3 વિશ્વ રેકોર્ડ સ્થાપ્યા છે. સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ, મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ રેકોર્ડ, સિંહણે જીવનકાળમાં 7 વખત બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે 18 વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.

રાજમાતાની દેન
આજે લીલીયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવેલું હતું ત્યારે કરવામાં આવ્યો હતો. વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ આ ગામના લોકોમાં રહેશે.

આ પણ વાચો: દિલ્હીમાં સગીરની છરીના ઘા મારીને હત્યા, માતાની મીઠાઈ ના પહોંચી ઘરે