January 24, 2025

Maharaj Film Controversy: ફિલ્મનું સ્ક્રિનિંગ કરીને નિર્ણય લેવા હાઇકોર્ટમાં યશરાજની રજૂઆત

જયેશ ચૌહાણ, અમદાવાદ: આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની પહેલી ફિલ્મ મહારાજ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ છે. મહારાજ ફિલ્મને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વૈષ્ણવ સંપ્રદાય તરફથી અરજી કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટ દ્વારા ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ મામલે આજે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ફિલ્મ સ્ક્રિનિંગને લઈને હાઇકોર્ટને કરાયું સૂચન 

આજે થયેલ સુનાવણી દરમિયાન અરજદાર, યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ તરફથી કોર્ટને સૂચન કરવામાં આવ્યું હતું કે હાઇકોર્ટ ફિલ્મ જોઈને તેનો કોઈ ભાગ હિન્દુ ધર્મ કે તેના સંપ્રદાયને બદનામ કરે છે કે કેમ તે અંગે નિર્ણય લે.

ત્રણેય પક્ષ સંમતિ સાથે કોર્ટમાં રજૂઆત કરે: હાઇકોર્ટ 

જોકે ફિલ્મ જોવાને લઈને ત્રણેય પક્ષો તરફથી અલગ અલગ બાબતના મતમતાંતર સામે આવતા હાઇકોર્ટ ત્રણેય પક્ષોના વકીલોને કોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેય પક્ષ સંમતિ સાથે કોર્ટમાં રજૂઆત કરે તો ફિલ્મ જોવી કે કેમ તે અંગે કોર્ટ નિર્ણય લેશે. તો સાથે સાથે, કાયદાકીય રજૂઆતોના આધારે પણ કેસને નિર્ધારિત કરવા માટે હાઇકોર્ટે તૈયારી દર્શાવી છે. 10 મિનિટ બાદ ત્રણેય પક્ષોને તેમને સંમતિના મુદ્દા સાથે રજૂઆત કરવાનો કોર્ટે સમય આપ્યો છે.

મહારાજ ફિલને લઈને આજે થયેલ સુનાવણી દરમિયાન ફિલ્મ નિર્માતા યશરાજ ફિલ્મ, નેટફલીક્સે કોર્ટ સમક્ષ ફિલ્મનાં સ્ક્રિનિંગને લઈને પ્રસ્તાવ મૂક્યો હતો. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે જો કોર્ટને લાગશે કે ફિલ્મ જોઈને નક્કી કરવું તો કોર્ટ તેને લઈને નિર્ણય કરશે. તો સાથે સાથે, અરજદારે પણ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે કોર્ટ ફિલ્મ જુએ અને કોર્ટને યોગ્ય લાગે તે મુજબ નિર્ણય લે. ફિલ્મ જોયા બાદ કોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય રહેશે. સાથે સાથે અરજદારે કોઈ કોમર્શિયલ લાભ જોઈતા ન હોવાની પણ રજૂઆત કરી હતી.

તો બીજી બાજુ, ફિલ્મ જોવાની ઝડપ અને ચુકાદામાં ઝડપ મામલે હાઇકોર્ટે યશરાજ ફિલ્મ્સને ટકોર પણ કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે તમે ચુકાદામાં ઝડપ ન કરાવી શકો. તમારી પાસે 2023થી ફિલ્મના રિલીઝ માટેનું લાયસન્સ છે. એક વર્ષથી તમે ફિલ્મ રિલીઝ નથી કરી અને હવે રિલીઝ માટે ઝડપ કરી રહ્યા છો. તમે કોર્ટની કાર્યવાહીમાં ઝડપ ન કરી શકો. તમારી પાસે પૂરતો સમય હતો. તો, યશરાજ ફિલ્મ્સે કોર્ટ માસ્ટરને ફિલ્મની લીંક અને પાસવર્ડ આપવા માટે પણ ખાતરી આપી છે. તો, આ મામલે હવે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મહારાજ ફિલ્મને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ સુનાવણી બાદ અરજદાર શૌલેષ પટવારીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જાનવ્યું છે કે યશરાજ ફિલ્મને સર્ટિફિકેટ ન મળવાનું ખ્યાલ આવતા OTT પ્લેટફોર્મ પસંદ કર્યું છે. ધાર્મિક લાગણીનો સવાલ છે અને સરકારને જાણ કરી પણ કોઈ જવાબ ન મળતાં હાઇકોર્ટેમાં અરજી કરવી પડી છે. યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ બન્ને વકીલ તરફથી ફિલ્મ જોવાનું કહેતા તેને લઈને કોઈ વાંધો નહિ હોવાની અરજદારે બાંહેધરી છે. ફિલ્મ મેકર્સ દ્વારા અંગ્રેજોના જજમેન્ટ પર ફિલ્મ બનાવવામાં આવી છે તે વ્યાજબી નથી. અને ભગવાનને ખોટી રીતે ફિલ્માવવામાં આવ્યા છે તે પણ ખોટું છે. જોકે, અરજદારે ગુજરાત હાઇકોર્ટ જે કહેશે તે માન્ય હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.