January 16, 2025

છેલ્લા 22 કલાકમાં 197 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 22 કલાકમાં 197 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 154 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.14 ઈંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 5 ઈંચ, ઉમરપાડામાં પોણા 5 ઈંચ વરસાદ, વલસાડમાં 4 ઈંચ, જોટાણામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ

વાપી અને દાંતીવાડામાં સવા 5 ઈંચ વરસાદ, પલસાણામાં 3.27 ઈંચ, સુરત શહેરમાં 2.95 ઈંચ, પારડીમાં પોણા 3 ઈંચ, માંગરોળમાં અઢી ઈંચ, રાપર અને ખેરગામમાં અઢી ઈંચ, ઉમરગામમાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં સવા 2 ઈંચ, માંડવીમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવા અને સોનગઢમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભરુચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તાપી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.