નમો સરસ્વતી યોજના હેઠળ કેટલી સ્કોલરશિપ મળશે? જાણો તમામ માહિતી
અમદાવાદઃ આ યોજના હેઠળ ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. આમ, બે વર્ષો દરમિયાન વિદ્યાર્થી દીઠ કુલ ₹25,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
આ સહાય પૈકી ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક ₹1000 મુજબ વાર્ષિક ₹10,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ ₹20,000 ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના ₹5000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહે છે.
નમો સરસ્વતી યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’
ગુજરાતની શાળાઓ દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે. શાળાઓ દ્વારા તેમની શાળામાં દાખલ થયેલા ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પોર્ટલમાં કરવામાં આવે છે અને CTSમાં દાખલ થયેલી તમામ વિગતોને નમો સરસ્વતી પોર્ટલ પર લઈ જવામાં આવે છે.
યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં અને માતા હયાત ન હોય તેવા કિસ્સામાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.
ગુજરાત સેમિકન્ડક્ટર, હરિત ઊર્જા અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તક્નીકી કાર્યબળની મોટા પાયે માગ ઊભી થશે. આ માટે જરૂરી છે કે વધુને વધુ વિદ્યાર્થીઓ ધો-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને 11 અને 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થશે. આ યોજના થકી વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકો સુનિશ્ચિત કરવામાં આવશે.