GSSBની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત, જાણી લો ક્યારે યોજાશે
ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહિના પહેલા વર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એક એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. મંડળ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં 20, 21 ,27, અને 28 એપ્રિલ તદુપરાંત 4 અને 5 મેના રોજ રાખવામાં આવેલી તમામ પરીક્ષાઓનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ આગામી 8 અને 9 મેના દિવસે યોજાનારી પરીક્ષા તેના સમય પ્રમાણે લેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ કરવામાં આવેલી પરીક્ષાનો નવો કાર્યકમ ટૂંક સમયમાં જાહેર કરાશે.
આ તમામ મુલતવી રહેલી પરીક્ષાની નવી તારીખ લોકસભા ચૂંટણી પરીક્ષા પછી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 8 અને 9મી મેના દિવસે લેવામાં આવનારી પરીક્ષા તેના નિયત સમય-તારીખ પ્રમાણે રાબેતા મુજબ યોજાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં યોજાનારી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તે વચ્ચે પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલીક જગ્યાએ ઉમેદવાર તકલીફ પડી રહી હોવાની ફરિયાદ સામે આવી હતી અને વહીવટી તંત્ર પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખીને નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.