May 18, 2024

ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા

gujarat first member of parliament maniben patel 4 term lok sabha and one term rajya sabha mp

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ભારત આઝાદ થયું ત્યારબાદ વર્ષ 1950માં ગણતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને દેશમાં લોકશાહી પદ્ધતિની સ્થાપના થઈ હતી. ત્યારબાદ વર્ષ 1951-52માં દેશમાં પહેલી લોકસભા ચૂંટણી યોજવામાં આવી હતી. હાલના ગુજરાત રાજ્યની વાત કરીએ તો, તે સમયે ગુજરાત કચ્છ, સૌરાષ્ટ્ર અને બોમ્બે સ્ટેટ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું.

ત્યારે ગુજરાતની પહેલી લોકસભા ચૂંટણીમાં બોમ્બે સ્ટેટમાં આવતા ગુજરાતમાં 9 સીટ કોંગ્રેસ જીત્યું હતું અને 2 સીટ સ્વતંત્ર ઉમેદવાર જીત્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં 6 લોકસભા બેઠક અને કચ્છમાં 2 લોકસભા બેઠક કોંગ્રેસે જીતી હતી. કુલ 19 લોકસભા બેઠકમાં માત્ર એક જ મહિલા ઉમેદવાર હતા. તે મહિલા ઉમેદવાર એટલે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ. તેઓ કૈરા દક્ષિણ (ખેડા દક્ષિણ)ની લોકસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમણે અપક્ષ ઉમેદવાર લલ્લુભાઈ પટેલને 59,298 મતની લીડથી હરાવ્યા હતા. આમ, મણિબેન પટેલને ગુજરાતમાંથી ચૂંટાયેલા પહેલા મહિલા સાંસદ ગણી શકાય.

આ પણ વાંચોઃ પહેલા લોકસભા સ્પીકર પણ ગુજરાતી, હાર્ટ એટેક આવતા મોત થયું હતું

મણિબેન પટેલ 1920માં અમદાવાદ આવ્યાં
મણિબેન પટેલનો જન્મ 3 એપ્રિલ 1903ના રોજ કરમસદમાં થયો હતો. તેમનો ઉછેર તેના કાકા વિઠ્ઠલભાઈ પટેલે કર્યો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ બોમ્બેની ક્વીન મેરી હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1920માં તેઓ અમદાવાદ આવી ગયા હતા અને મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય વિદ્યાપીઠની યુનિવર્સિટીમાં હાજરી આપી હતી. 1925માં સ્નાતક થયા પછી પિતાને મદદ કરવા લાગ્યા હતા.

પિતા વલ્લભભાઈ પટેલ સાથે મણિબેન પટેલ – ફાઇલ

બોરસદ આંદોલન
1923-24માં બ્રિટિશ સરકારે સામાન્ય લોકો પર ભારે કર લાદ્યો અને તેની વસૂલાત માટે તેમના ઢોર, જમીન અને મિલકત જપ્ત કરવાનું શરૂ કર્યું. આ જુલમનો વિરોધ કરવા માટે મણીબેને મહિલાઓને ગાંધી અને સરદાર પટેલની આગેવાની હેઠળની ઝૂંબેશમાં જોડાવવા અને નો-ટેક્સ ચળવળને ટેકો આપવા માટે પ્રેરિત કર્યા હતા.

બારડોલી સત્યાગ્રહ
1928માં બારડોલીના ખેડૂતો પર બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા અતિશય કરવેરા વસૂલવામાં આવ્યા હતા અને તેમણે બોરસદના ખેડૂતોની જેમ જ હેરાનગતિ સહન કરી હતી. મહાત્મા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહનું નેતૃત્વ લેવા નિર્દેશ આપ્યો હતો. શરૂઆતમાં મહિલાઓ ચળવળમાં જોડાવવા માટે અચકાતી હતી. મણિબેન પટેલ, મિથુબેન પેટિટ અને ભક્તિબા દેસાઈ સાથે મળીને ચળવળમાં આખરે પુરૂષો કરતાં વધુ સંખ્યામાં રહેલી મહિલાઓને પ્રેરિત કરી હતી. વિરોધના ભાગરૂપે તેઓ સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલી જમીન પર બાંધવામાં આવેલી ઝૂંપડીઓમાં રોકાયા હતા.

રાજકોટ સત્યાગ્રહ
1938 દરમિયાન રાજકોટ રાજ્યના દિવાનના અન્યાયી શાસન સામે સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા ગાંધી તેમની ખરાબ તબિયત છતાં સત્યાગ્રહમાં જોડાવા આતુર હતા અને મણિબેન પટેલ તેમની સાથે હતા. સરકારે મહિલાઓને અલગ કરવાનો આદેશ પસાર કર્યો હતો. તેમણે આદેશ સામે ભૂખ હડતાલ કરી હતી અને સત્તાવાળાઓએ તેણીને કસ્તુરબા ગાંધી સાથે ફરી મળવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, જાણો કોણ-કોણ આમનેસામને

  • રાજકીય કારકિર્દી
    1952: કોંગ્રેસના ઉમેદવાર તરીકે સામાન્ય ચૂંટણીમાં દક્ષિણ કૈરા (ઉર્ફે ખેડા ) લોકસભા બેઠક જીતી
  • 1957: સામાન્ય ચૂંટણીમાં આણંદ લોકસભા બેઠક જીતી
  • 1962 : કોંગ્રેસના ઉમેદવાર તરીકે આણંદ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીના નરેન્દ્રસિંહ રણજીથસિંહ મહિડા સામે હાર્યા
  • 1964થી 1970 : રાજ્યસભાના કોંગ્રેસ સભ્ય
  • 1973 : કોંગ્રેસના શાંતુભાઈ પટેલને હરાવીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે સાબરકાંઠામાંથી પેટાચૂંટણી જીતીને લોકસભામાં પ્રવેશ કર્યો
  • 1977 : જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નટવરલાલ અમ્રતલાલ પટેલને હરાવીને સામાન્ય ચૂંટણીમાં મહેસાણા લોકસભા બેઠક જીતી