January 24, 2025

Vadodara: વડોદરામાં ફાર્મા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 3 કર્મચારીઓના મોત

વડોદરા: ગુજરાતના વડોદરા જિલ્લામાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ત્રણ કામદારોના મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદાર ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલાબારા ગામમાં આવેલી ફેક્ટરીમાં ગેસ પાઇપમાંથી લીકેજ થવાને કારણે બપોરે 2 વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. માહિતી અનુસાર ગંભીર રીતે દાઝી જતા ત્રણ કામદારોના મોત થયા છે અને કંપનીમાં કામ કરતા ઘણા કામદારો દાજ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ ઘાયલ થયેલા કર્મચારીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, ઓનિરો લાઇફકેરના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે ગેસ પાઇપમાંથી લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો ત્યારે ચાર કામદારો સ્થળ પર હાજર હતા. કામદારોને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણના મોત થયા હતા અને ફેક્ટરીમાં વિસ્ફોટમાં અન્ય એક કામદારને ઈજાઓ પહોંચી હતી.