રાજ્યસભાની 4 બેઠક માટે ગુજરાતમાં તૈયારી ચાલુ, જાણો ક્યાંથી કોને મોકલશે
ગાંધીનગરઃ એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક ખાલી પડી છે. તેને લઈને ભાજપે રણનીતિ બનાવી નાંખી છે અને ચારેય જગ્યાએ સાંસદ સભ્યો મોકલવા માટે તૈયારી ચાલુ કરી છે. ગુજરાતમાં જ્ઞાતિગણ સમીકરણને ધ્યાનમાં રાખીને ચારેય સાંસદ સભ્યોની પસંદગી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ચારેય બેઠક પર નવા ચહેરા મોકલવા માટે તૈયારી આરંભી દીધી છે. ભાજપ રાજ્યસભામાં બે ઓબીસી, 1-1 દલિત અને પાટીદાર ઉમેદવારને મોકલે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મનસુખ માંડવિયા અને પરશોત્તમ રુપાલાની સીટ ખાલી થવાની છે. તેમને રિપિટ નહીં કરવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, છેલ્લી ઘણી ચૂંટણીની રાજનીતિ જોઈએ તો ભાજપે ‘નો રિપિટ’ થિયરી અપનાવી હતી. ત્યારે રાજ્યસભાની સીટ માટે પણ આ જ રણનીતિ વાપરવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજના વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાંથી કોઈ વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી લેઉવા પાટીદાર સમાજમાંથી પણ મોટા સમાજ અગ્રણીની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે.
હાલની રાજ્યસભાની બેઠક વિશે વાત કરીએ તો, બે બ્રાહ્મણ, 1 પટેલ, 1 ઓબીસી, 1 ક્ષત્રિય અને 1 આદિવાસી સાંસદ સભ્યો છે. ત્યારે ભાજપ વધુ બે ઓબીસી સમાજના સાંસદ સભ્યો બનાવે તેવી શક્યતા છે. આ ઉપરાંત એક દલિત અને એક પાટીદાર સમાજમાંથી સાંસદ સભ્યો બનાવે તેવી શક્યતા છે.
રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. તેમાંથી ચાર બેઠક પર સાંસદ સભ્યો મોકલવા માટે ભાજપે કામગીરી ચાલુ કરી છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે અને દરેક સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. જ્યારે લોકસભામાં રાજ્યસભા કરતાં બમણી સભ્યસંખ્યા છે અને તેના સભ્યોની મુદ્દત 5 વર્ષની હોય છે.