December 27, 2024

ગીર-સોમનાથમાં હિટ એન્ડ રન મામલે મોટો ખુલાસો, બે સગીરો સહિત યુવતીએ હત્યા કરી હોવાનું ખૂલ્યું

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં મોટો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એક યુવતી અને બે સગીરોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. હત્યા માટે 15 દિવસ પહેલાં માસ્ટર પ્લાન બનાવ્યો હતો.

ગીર સોમનાથના વેરાવળ-તાલાલા રોડ પર રાતના સમયે એક મોપેડચાલક યુવકની અકસ્માત સર્જાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જાણવા મળ્યું હતું કે, હિટ એન્ડ રનની ઘટના છે, જેના કારણે પ્રથમ નજરે અકસ્માતનો ગુનો નોંધાયો હતો. મૃતક નજીકના ઉમરેઠી ગામનો સુરેશ નામનો યુવક હોવાનું બહાર આવ્યું હતું. જો કે, મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસ અને LCB દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

પોલીસે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ અને CCTV કેમેરાની તપાસ હાથ ધરી છે. પોલીસને CCTVમાં એક શંકાસ્પદ બોલેરો કાર મળી જેની તપાસ કરતા કાર રોડ નજીક પાર્ક કરેલી જોવા મળી હતી. જેમાં અકસ્માતના નિશાન મળી આવ્યા હતા. બીજી તરફ સીસીટીવીમાં એક યુવક દોડતો અને બાઇકમાં સવાર થતો જોવા મળ્યો હતો.પોલીસે પ્રથમ બોલેરો કારના માલિકની શોધખોળ કરી તો તેનો ફોન ઓફ હતો. બીજી તરફ બાઇકચાલકની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે, બાઈકમાં સવાર બને સગીર યુવકો ઉમરેઠી ગામના જ છે. પોલીસે બંનેની પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો અને હત્યા કરી અકસ્માતમાં ખપાવવાની વાત કબૂલી હતી.

આખરે ઉમરેઠી ગામના સુરેશ નામના યુવાનની હત્યા કેમ અને કઈ રીતે તેમજ હત્યામાં કોણ કોણ સામેલ આ સવાલોના જવાબ પોલીસે મેળવવા વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે, ‘2019ના વર્ષમાં સગીર મુખ્ય આરોપી છે. તેની બહેન સાથે મૃતક સુરેશને સબંધ હતો. જેનો ઝઘડો પણ થયો હતો અને ફરિયાદો પણ થઈ હતી. આરોપીની બહેનના ત્યારબાદ લગ્ન થઈ જાય છે પરંતુ મૃતક તેને પરેશાન કરતો હતો. જેથી રક્ષાબંધનના દિવસે આરોપીને તેમની બહેને સમગ્ર હકીકતની જાણ કરી હતી. રક્ષાબંધનના દિવસથી જ આરોપી ભૂરો (નામ બદલાવેલ છે) મૃતક સુરેશને પતાવી દેવા માગતો હતો.
સગીર આરોપી ભૂરો પ્લાન બનાવે છે જેમાં તેના એક સગીર ઉંમરના દોસ્તને સાથે રાખે છે. એક તેની ઓળખીતી છોકરી જે કોડીનારના ડોળાસા ગામની છે તેને પણ સામેલ કરે છે.’

આરોપી દ્વારા પ્રથમ કોડીનારના ડોળાસાની યુવતી પાસે મૃતક સુરેશને ફોન કરાવે છે અને બંને વચ્ચે કોન્ટેક થાય છે. ત્યારબાદ તે insta અને whatsappમાં બંને છોકરી અને મૃતક કોન્ટેકમાં રહે છે અને ચાર દિવસ પહેલા સાંજે યુવતી મૃતકને તલાલા મળવા બોલાવે છે. બીજી તરફ આરોપી ભૂરો રોડ પર બોલેરો લઈને ઉભો રહે છે. જ્યારે અન્ય એક આરોપી બાઈક લઈને મૃતકની પાછળ આવે છે.

આરોપી ભૂરાને યુવતી અને તેનો દોસ્ત રોડ પર મૃતકનું સતત લોકેશન આપતા રહે છે અને હાઈવે સુમસામ દેખાતા બોલેરો વડે મૃતકના મોપેડને ટક્કર મારી ફરાર થાય છે. થોડે દૂર બોલેરો છોડી ભૂરો અને તેનો દોસ્ત જે બાઈક લઈને પાછળ આવતો હતો તેમાં સવાર થઈ ફરાર થાય છે.