December 26, 2024

ગાઝામાં ઇઝરાયલી સેનાનો નવો કાંડ ખૂલ્યો, હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન 200 મૃતદેહ મળ્યાં

gaza hospital found out 200 dead bodies allegation on israel

ગાઝાઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 200 દિવસથી વધુ સમય થઈ ગયો છે. ગાઝા શહેરમાં ઈઝરાયલની સેના દ્વારા કરવામાં આવેલા નરસંહારથી અમેરિકા પણ ઉશ્કેરાઈ ગયું છે. તેણે તેની એક બટાલિયન પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ દરમિયાન ગાઝામાં એક નવું IDF કૌભાંડ બહાર આવ્યું છે. હમાસના અધિકારીઓનો આરોપ છે કે, ખાન યુનિસ હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન 200થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા. હમાસે ઈઝરાયલ પર હોસ્પિટલને સામૂહિક કબ્રસ્તાનમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. મૃતદેહોની બર્બરતા પર સંયુક્ત રાષ્ટ્ર પણ ગુસ્સે છે. તેમનું કહેવું છે કે, કેટલાક મૃતદેહોના હાથ બાંધેલા હતા અને કેટલાકના શરીર પર કપડાં પણ નહોતા.

હમાસના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયલી દળોએ સેંકડો નિર્દોષ લોકોને માર્યા હતા અને તેમને હોસ્પિટલમાં દફનાવવામાં આવ્યા હતા. હમાસે અહીં સામૂહિક કબર હોવાનો દાવો કર્યો છે. જો કે, ઈઝરાયલની સેનાએ હમાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને આ દાવાને ખોટો ગણાવ્યો હતો. ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલે અહેવાલ આપ્યો છે કે, આ વિસ્તારમાં ઇઝરાયલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચેની લડાઈ વચ્ચે પેલેસ્ટિનિયનોએ આ સ્થળ પર મૃતદેહોને દફનાવી દીધા હતા.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે હમાસના આરોપને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. IDFના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલના બંધકોને શોધી રહેલા અમારા દળોએ પેલેસ્ટિનિયનો દ્વારા અગાઉ નાસેર હોસ્પિટલ પાસે દફનાવવામાં આવેલા મૃતદેહોની તપાસ કરી હતી અને તપાસ કર્યા બાદ મૃતદેહોને તે જ જગ્યાએ પરત કર્યા હતા જ્યાં તેમને દફનાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે દાવો કર્યો છે કે, હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન મળી આવેલા કેટલાક મૃતદેહોના હાથ બંધાયેલા હતા. કેટલાકના કપડાં છીનવી લેવામાં આવ્યા હતા. આઇડીએફએ આ કેસ પર સખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તાજેતરના મહિનાઓમાં નાસર હોસ્પિટલના વિસ્તારમાં તેની કામગીરી દરમિયાન તેના સૈનિકોએ ઇઝરાયલી બંધકોને શોધવા માટે હોસ્પિટલના મેદાનમાં પેલેસ્ટિનિયનો દ્વારા દફનાવવામાં આવેલા શબની તપાસ કરી હતી.