October 23, 2024

ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઇ કરતી ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે 4 શખ્સોની કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતા વધુ એક ગેંગના 4 લોકોની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપીઓ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી અને ત્યારબાદ ભારતીય રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં બદલી વિદેશ મોકલતા હતા.

સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ અલી પટાવટ, તરુણ સિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકરની ડિજિટલ અરેસ્ટ કેસમાં ધરપકડ કરી છે. આરોપીઓ ઠગાઇના પૈસા માટે બેંક એકાઉન્ટ ભાડે આપી અને ઠગાઈના પૈસા બેંકમાંથી ઉપાડીને રોકડ પૈસા ગેંગનાં સભ્યોને આપતા હતા. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે વિડીયો કોલ આવ્યો હતો. જેમાં, બનાવટી IPS અધિકારીની ઓળખ આપી વૃદ્ધાને મની લોન્ડરીંગ કેસમાં ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે અને ડરાવી ધમકાવી સુપ્રીમ કોર્ટના જજનો ફોટો મૂકી તેની સાથે વાત કરી સુપ્રીમ કોર્ટનું બોગસ જજમેન્ટ દર્શાવી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

ત્યારબાદ, વૃદ્ધા સાથે થયેલ ઠગાઈનાં આશરે 10 લાખ રૂપિયા આરોપી પૈકી મોહમ્મદ અલી પટાવટ અને તરુણ સિંહ વાઘેલા ખાતામાં જમા થયા હતા. જે બન્ને આરોપી ધરપકડ કરતાં પૂછપરછમાં પોતે બેંક એકાઉન્ટ આરોપી બ્રિજેશ પારેખને 20 હજારમાં ભાડે આપ્યા હતા. જેમાં બ્રિજેશની સાયબર ક્રાઈમ ધરપકડ કરતાં શુભમ ઠાકોર મુખ્ય આરોપી છે. જે બેંકમાં રહેલા ઠગાઇના પૈસા ઉપાડી ને રોકડમાં લઇ લેતો હતો.

પકડાયેલ મુખ્ય આરોપી શુભમ ઠાકોર અમદાવાદનો રહેવાસી છે અને ડિજિટલ અરેસ્ટમાં ઠગાઇના પૈસા ભાડાના બેંક એકાઉન્ટમાંથી ઉપાડીને રોકડ પૈસા રાજસ્થાનનાં બે આરોપીને આપતો હતો. જે રોકડ પૈસા લઈ 10 ટકા કમિશન શુભમ લેતો હતો. વોન્ટેડ આરોપી USDમાં કન્વર્ટ કરી ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયાને આગળ મોકલતો હોવાનું સામે આવ્યું છે. મહત્વ નું છે કે ભોગ બનનાર વૃદ્ધ ને ફોન વિદેશ એટલે કે કંબોડિયાથી આવ્યો હતો. પણ ભારતમાં આરોપી બેંક એકાઉન્ટ ભાડે આપી અને પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે, વૃદ્ધનાં 1.26 કરોડ અલગ અલગ 70 થી વધુ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે રાજસ્થાનના બે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.