Gandhinagar : ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર, 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો સહિત દેશની 56 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. માહિતી અનુસાર, સોમવારે ચૂંટણી પંચે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો સહિત દેશની 56 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. આ બેઠકોમાંથી મોટાભાગની સીટોની મુદત 2 એપ્રિલે પૂરી થઈ રહી હતી.
ચારેય બેઠકો ભાજપના ખાતામાં જશે
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકો માટે અગાઉથી રાજ્યસભાની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી બે ભાજપ પાસે અને બે કોંગ્રેસ પાસે છે, પરંતુ આ ચૂંટણી બાદ ચારેય બેઠકો ભાજપના ખાતામાં જશે અને તેના માટે મતદાનની જરૂર નહીં રહે.
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપના સાંસદ છે જેમની મુદત પૂરી થઈ રહી છે. માહિતી અનુસાર ભાજપ આ બંને નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે કારણ કે ભાજપે પહેલાથી જ બે કે તેથી વધુ ટર્મ સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા નેતાઓને લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરવાની જાણ કરી દીધી છે.