December 20, 2024

ફોન ટેપિંગ કેસમાં ફસાયા તેલંગાણા IBના ભૂતપૂર્વ વડા ટી પ્રભાકર રાવ, લુકઆઉટ નોટિસ જારી

Telangana Phone Tapping Row: ફોન ટેપિંગ કેસમાં પૂર્વ તેલંગાણા ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા ટી પ્રભાકર રાવને આરોપી નંબર 1 તરીકે નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, તેમના પર તેલંગાણામાં અગાઉની BRS સરકાર દરમિયાન વિપક્ષી નેતાઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો અને તેમના આદેશ પર ઇલેક્ટ્રોનિક ડેટા એકત્રિત કરવાનો આરોપ છે. ટી પ્રભાકર રાવ વિદેશ ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે તે અમેરિકામાં હોઈ શકે છે. તેના નામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ, હૈદરાબાદમાં ટી પ્રભાકર રાવના ઘરની સાથે લગભગ એક ડઝન અન્ય સ્થળોની પણ તલાશી લેવામાં આવી છે. જેમાં શ્રવણ રાવનું ઘર પણ સામેલ છે. શ્રવણ રાવે કથિત ફોન-ટેપિંગ સાધનો અને સર્વર સેટ કરવામાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે.

રાધા કિશન રાવ સામે પણ લુકઆઉટ નોટિસ
આ કેસમાં અન્ય એક પોલીસકર્મી રાધા કિશન રાવનું પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે અને તેમના માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. રાધા કિશન રાવ સિટી ટાસ્ક ફોર્સમાં કામ કરતા હતા. આ કેસના સંબંધમાં તેલંગાણાના અન્ય ઘણા પોલીસ અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં ત્રણ લોકોની, એડિશનલ એસપી ભુજંગ રાવ અને તિરુપથન્ના અને ડેપ્યુટી એસપી પ્રણિત રાવની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભુજંગ રાવ અને તિરુપથન્ના, જેમની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, તેઓએ ખાનગી વ્યક્તિઓ પર ગેરકાયદેસર રીતે દેખરેખ રાખવાનો અને સૂબત નાશ કરવાની કબૂલાત કરી છે.

પ્રભાકર રાવના આદેશ પર પુરાવાનો નાશ કરવાનો આરોપ
પ્રણિત રાવની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર અજાણ્યા વ્યક્તિઓની પ્રોફાઇલ ડેવલોપ અને તેમની પ્રવૃત્તિઓ પર અનધિકૃત રીતે દેખરેખ રાખવાનો તેમજ અમુક કોમ્પ્યુટર સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં સંગ્રહિત ડેટાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્રભાકર રાવના આદેશ પર કથિત રીતે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આ આદેશ કથિત રીતે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસે BRSને હરાવ્યાના એક દિવસ બાદ આપવામાં આવ્યો હતો.

ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસ સભ્યોના ફોન ટેપીંગ
જે લોકોના ડિવાઇસ પર કથિત રીતે નજર રાખવામાં આવી હતી, તેમાં ભાજપ, કોંગ્રેસ અને બીઆરએસના લોકો સામેલ છે. અહેવાલ મુજબ, રેવંત રેડ્ડી (જે હવે રાજ્યના મુખ્યમંત્રી છે)ના ડિવાઇઝ પર પણ નજર રાખવામાં આવી હતી. એવા અહેવાલો પણ છે કે તેલુગુ કલાકારો અને ઉદ્યોગપતિઓ પર પણ નજર રાખવામાં આવી હતી અને તેમાંથી ઘણાને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ ફોન કોલ્સ ટેપ કરવામાં આવ્યા હતા. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.