December 29, 2024

નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતના ‘Vision 2047’ નું બજેટ રજૂ કરશે

KANU DESAI - NEWSCAPITAL

15મી વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતના Vision 2047 નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં સમાજ કેન્દ્રિત અને ગુજરાતના ભાવિ રોડ મેપ સાથેનું પ્રતિબિંબ જોવા મળશે. યુવા, મહિલા, ખેડૂત અને ગરીબ વર્ગને અગ્રતા આપતી અનેક યોજનાઓની જાહેરાત વિધાનસભાના ફ્લોર પરથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે તેનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે જ્યારે ગુજરાત સરકાર આજે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. બજેટનું રાજકીય લાભ લેવાય તેવી રીતે ગણતરી મૂકીને ફૂલ ગુલાબી બજેટ રજૂ કરવામાં આવશે.

આ બજેટમાં ખાસ કરીને સોશિયલ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મુખ્ય એજન્ડા રહેલો છે. લોકસભા 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નાગરિકો પર વધારાના કરવેરા લાદવાનું સરકારને મુનાસીબ લાગ્યું નથી. આજના બજેટમાં ગ્રીન ગ્રોથ પર્યાવરણને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં સોલાર યોજનાનો વ્યાપ વધારવામાં આવશે. નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવા માટે પ્રસુતા હોસ્પિટલમાં વધુ દિવસ રોકાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પણ વાંચો : Budget 2024: બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?

આજના બજેટમાં રાજ્યમાં મોટી સંખ્યામાં નવી ફેમિલી કોર્ટની જાહેરાત કરાય તેવી શક્યતાઓ છે. કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરાય તેવી શક્યતાઓ છે. વિવિધ વિભાગમાં નવી ભરતીઓની જાહેરાત પણ આજના બજેટમાં કરવામાં આવી શકે છે. ધાર્મિક સ્થળો, ટુરીઝમ સ્થળોને પ્રોત્સાહન આપવા માટે નવા પ્રોજેક્ટોની જાહેરાત પણ કરવામાં આવશે. લઘુત્તમ અને મધ્યમ ઉદ્યોગો, નાના કારીગરો અને માછીમારો માટેની યોજનાઓની જાહેરાત પણ આજે બજેટ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવશે.