November 24, 2024

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધની આશંકા, બિટકોઈનનો ભાવ ગગડ્યો

અમદાવાદ: દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે. તેના કારણે આજે બપોરથી બિટકોઈનની કિંમતમાં 7.7 ટકાનો ઘટાડો આવ્યો છે. જેના કારણે 63,230 ડોલર પર તેનો ભાવ પહોંચ્યો છે. માર્ચ 2023 બાદ આજે આટલો મોટો ઘટાડો બિટકોઈનમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત ઈથર, સોલાના અને ડોજકોઈન જેવી અન્ય ક્રિપ્ટોકરન્સીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર હુમલો કર્યો
સીરિયામાં ઈઝરાયલના હુમલામાં ઈરાની સેનાના ઘણા સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. એ બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવનું વાતાવરણ હતું. આખરે ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. આ કારણે મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધની શક્યતાઓ વધી રહી છે. ગાઝા પટ્ટીમાં આ વિસ્તારમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલેથી જ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંજોગોની ક્રિપ્ટોકરન્સી પર નકારાત્મક અસર પડી છે. શેરબજારમાં તેની શું અસર પડશે તે સોમવારે બજાર ખુલ્યા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: ઈઝરાયલમાં હુમલા બાદ અમેરિકાનું સમર્થન, ભારતે કહ્યું – હિંસા છોડો

શેરબજાર પર અસર જોવા મળશે
બિટકોઈન સહિત તમામ ક્રિપ્ટોકરન્સીનું આજનું વેચાણ યુદ્ધની આશંકાના કારણે છે. જો આ સંઘર્ષ વધુ વકરશે તો ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. સોમવારે ખુલવા જઈ રહેલા વિશ્વભરના શેરબજારો પર પણ તેની અસર જોવા મળી શકે છે. ઈઝરાયલ આ હુમલાનો જવાબ આપવાની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રોકાણકારો બોન્ડ અને ડોલર તરફ વળે છે. રોકાણકારોએ શુક્રવાર અને શનિવારે ક્રિપ્ટોમાંથી આશરે $1.5 બિલિયન પાછું ખેંચ્યું હતું. છેલ્લા 6 મહિનામાં આવું ક્યારેય બન્યું ન હતું.

માર્ચના રેકોર્ડ કરતા 10 હજાર ડોલર ઓછા છે
બિટકોઈન માર્ચમાં તેના 73,798 ડોલરના રેકોર્ડ આંકડાને સ્પર્શી ગયો હતો. ત્યારથી આ ડિજિટલ ચલણમાં અંદાજે 10 હજાર ડોલરનો ઘટાડો થયો છે. યુએસએ જાન્યુઆરીમાં સ્પોટ બિટકોઈન ETFને મંજૂરી આપ્યા બાદ તેની કિંમતો ઝડપથી વધી હતી.