પિતાની હત્યા: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતાં પુત્રની કરી ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: બાપુનગરમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ધુળેટીના પર્વમાં દિવસે પુત્રએ પિતાની હત્યા કરીને લોહિયાળ હોળી રમી હતી. ઘટનાની વાત કરીએ તો બાપુનગરમાં વિહતનગરમાં આવેલા પૂનમચાંદની ચાલીમાં રહેતા અશોકભાઈ કલ્યાણકારી તહેવારમાં ઘરે દારૂ પીને આવ્યા હતા, ત્યારે તેમના મોટા દીકરા લોકેશે પિતા સાથે દારૂ પીવા અને પોતાની સાથે નહીં રાખવા બાબતે ઝઘડો કર્યો હતો.
ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે લોકેશે કપડાં ધોવાના ધોકાથી પિતાના પેટના ભાગે સતત માર માર્યો હતો. જેથી પિતા બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ પરિવાર હત્યાને અકસ્માતમાં ખપાવવા અંતિમવિધિની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે નાના દીકરા હર્ષને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. બાપુનગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી.
એચ ડિવિઝનના ઈન્ચાર્જ એસીપીના જણાવ્યાં અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક અશોકભાઈ મૂળ કર્ણાટકના રહેવાસી છે અને વર્ષોથી બાપુનગર પરિવાર સાથે રહે છે . અશોકભાઈ અને તેમના પત્ની વચ્ચે મનમેળ નહીં મળતા 2007માં તેઓએ છૂટાછેડા લીધા હતા. જેમાં મોટો દીકરો લોકેશ તેની માતા સાથે ગોમતીપુરમાં રહેતો હતો, જ્યારે નાનો દીકરો હર્ષ અને તેના દાદી મૃતક અશોક ભાઈ સાથે બાપુનગરમાં રહેતા હતા. તેઓ છૂટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લોકેશ અવાર નવાર પિતાના ઘરે આવતો જતો હતો.
આ પણ વાંચો: હિંદુ નામ ધારણ કરી લવજેહાદ, અનેકવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરી તરછોડી
ધુળેટીના તહેવારના દિવસે પણ તે પિતાના ઘરે આવ્યો હતો અને દારૂ પીવા તેમજ પોતાની સાથે ઘરમાં નહીં રાખવા બાબતે તકરાર કરી હતી અને આ તકરારમાં પિતાને મારમાર્યો હતો. પોતાની ભૂલ સમજાતા આરોપી લોકેશે પિતાને દવા પણ લગાવી આપી હતી, પરંતુ વધુ માર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. પુત્રએ પિતાની કરેલી હત્યા કેસમાં પોલીસે અકસ્માત મોતના ગુનામાં હત્યાની કલમોનો ઉમેરો કરીને આરોપી લોકેશની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.