May 20, 2024

અમરેલી ભાજપમાં ઉકળતો ચરુ, ઉમેદવાર બદલવાની માગ સાથે મારામારી!

amreli bjp lok sabha candidate bharat sutariya oppose

કાર્યકરોએ એકબીજા સાથે મારામારી કરી હતી.

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે આજે રાજુલામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા, પણ અમરેલીના સાંસદ નારણ કાછડીયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જ્યારે છેલ્લા બે-ચાર દિવસથી સોશિયલ મીડિયા મારફતે અમરેલી ભાજપના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ શરૂ થયો હતો.

ધારીના ખીચા અને દેવળા ગામે ભાજપના ઉમેદવાર બદલવાના પોસ્ટર બોર્ડ બેનરો લાગ્યા હતા. ત્યારે રાજુલાની સભામાં અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ કહ્યુ હતુ કે, ‘સોશિયલ મીડિયામાં લખવું હોય એ લખો પણ કમળ ખીલવાનું છે ખીલવાનું છે ને ખીલવાનું છે’. જ્યારે આ રાજુલાના મંચ પર ફરીવાર અંબરીશ ડેર અને હીરા સોલંકી સંગાથે જોવા મળ્યા હતા. જ્યારે ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહીં અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજ સાથે સમાધાનના પ્રયાસો ચાલુ છે અને તેનો સુખદ અંત આવવાનો વિશ્વાસ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ સાબરકાંઠા ઉમેદવારના વિવાદનો અંત, CMએ કહ્યું – ઉમેદવાર નહીં બદલાય

અમરેલીમાં દિલીપ સંઘાણીના નિવાસસ્થાન નજીક ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા પહોંચ્યા હતા. અમરેલીના ઉમેદવારના સમર્થનમાં આવવા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ખાનગી બેઠક કરી હતી. જેમાં કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર બદલવાની માંગણીઓ જોર શોરથી થઈ હતી. ભાજપના કાર્યકર્તા હિરેન વીરડિયાએ ભરત સુતરીયા ઉમેદવાર તરીકે ના ચાલે તેવી ધગધગતી રજૂઆતો ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ કરી હતી. પ્રદેશ કક્ષાએ કાર્યકર્તાઓની રજૂઆત પહોંચાડવાની ખાતરી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ સામસામા આવી ગયા હતા. જેમાં સાંસદ કાછડીયા જૂથ અને ધારાસભ્ય કૌશિક વેકરીયા જૂથના કાર્યકરો એકબીજા સાથે મારપીટ કરી હતી. કૌશિક વેકરીયા જૂથના કાર્યકરે સાંસદ કાછડીયા અને તેમના પરિજનો પણ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. સામે પક્ષે કાછડીયા જૂથના કાર્યકર હિરેન વીરડિયાએ સંદીપ માંગરોળીયાએ હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

આ છૂટા હાથની મારામારી ઉમેદવાર બદલવાની માથાકૂટમાં થઈ કે અન્ય તે અંગે અલગ અલગ ચર્ચાઓ વચ્ચે પોલીસ કાફલો દોડી ગયેલો હતો અને બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ થયા હતા. જ્યારે અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ ઉમેદવાર સામે ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે કાર્યકરો વચ્ચે જામી પડી હતી અને મોટા નેતાઓની લડાઈમાં નાના કાર્યકર્તાઓ એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.