December 29, 2024

હોમ ડિપાર્ટમેન્ટના નકલી અધિકારી બનીને રોફ જમાવતો નબીરો ઝડપાયો

મિહિર સોની, અમદાવાદ: ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને રોફ જમાવતા નબીરાની પોલીસે ધરપકડ કરી છે. સૉફ્ટવેર એન્જીનીયર યુવકને સરકારી અધિકારીની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવાનો શોખ હતો, પરંતુ અમદાવાદમાં રોફ જમાવવું ભારે પડ્યું. ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી અધિકારીની ધરપકડ કરીને કાર જપ્ત લીધી છે.

આ પણ વાંચો: વડોદરાના યુવાનની અનોખી પહેલ, વયોવૃદ્ધ મતદાતાઓને કારમાં લઈ જશે

સૌરીશ બોસ નામનો આ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. જે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો અધિકારી બનીને રોફ જમાવતો હતો, પરંતુ પોલીસે આ નકલી અધિકારીની ધરપકડ કરી. સમગ્ર કેસની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ ચેકીંગ કરી રહી હતી ત્યારે આરોપી સૌરીશ પોતાની દિલ્હી પાસિંગ DL 03 CCM 9591 નંબરની ક્રેટા ગાડી લઈને નીકળ્યો હતો. આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને વાદળી લાઈટ લગાવેલી હતી અને સરકારી ગાડીમાં ઈમરજન્સી સમયે વાગે તેવું હુટર પણ લગાવ્યું હતું. આરોપી સરકારી વાહનની જેમ ઓવર ટેક કરીને નીકળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસને શંકા જતા તેનો પીછો કરીને વિજય ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતાં નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નોટિસ આપ્યા વગર શાળા બંધ કરતા વાલીઓનો હોબાળો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સૌરીશ પશ્ચિમ બંગાળના કોલકતાનો રહેવાસી છે અને સોફ્ટવેર એન્જીનીયર છે. તે પુનામાં આવેલી માઈક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે. સૌરીશને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઈટ વાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ છે. અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઈટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો. આ કેસમાં પણ સૌરીશે પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યું હતું. આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઈટ અને હુટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો, એટલું જ નહીં કારમાં ભારત સરકારનું લખાણ પણ લખ્યું હતું. આ આરોપી બે દિવસ પહેલા તે ઉદયપુર પણ આ પ્રકારે સરકારી અધિકારીની જેમ ગાડી લઈને ગયો હતો. મહત્વનું છે કે નકલી અધિકારી બનવાની સાથે આરોપીને આઇપીએસ અને આઈએસ અધિકારી સાથે ફોટો પડાવવાનો પણ ખુબજ શોખ છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની કાર જપ્ત કરી છે.

નકલી સરકારી અધિકારીની જેમ રોફ જમાવતા આરોપી સૌરીશ બોસ અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો. નિવૃત આર્મી ઓફિસરની દીકરી સાથે લગ્ન કર્યા હતા. તેઓની વચ્ચે મનભેદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની પત્ની વિરુદ્ધ ગાડી ચોરીનો આક્ષેપ કરીને અરજી કરી હતી. તપાસમાં આરોપીએ પત્નીને ગિફ્ટમાં ગાડી આપી હોવાનું ખુલ્યું હતું. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હુટર ક્યાંથી લગાવ્યું તેમજ આરોપીએ નકલી અધિકારી બનીને કોઈની સાથે છેતરપીંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.