January 21, 2025

કેજરીવાલને EDનું છઠ્ઠું સમન્સ, 19 ફેબ્રુઆરીએ પૂછપરછમાં હાજર રહેવું પડશે

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં 19 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. નોંધનીય છે કે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રીને અત્યાર સુધીમાં પાંચ વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એક પણ વખત તપાસમાં હાજર રહ્યા નથી. અગાઉ 2 ફેબ્રુઆરીના રોજ સીએમ અરવિંદ કેજરીવાલ EDના પાંચમા સમન્સ મોકલ્યા બાદ પૂછપરછમાં હાજર રહ્યા ન હતા, ત્યારબાદ EDએ સમન્સનું પાલન ન કરવા બદલ તેમની સામે નવો કેસ નોંધી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અગાઉ ઈડીના સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. કેજરીવાલે આરોપ લગાવ્યો કે EDનો ઉદ્દેશ્ય તેને પ્રચાર કરતા રોકવાનો હતો. વધુમાં કેજરીવાલે EDના સમન્સને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું.

અગાઉ 5 સમન્સ મોકલ્યા
EDએ કેજરીવાલને 31 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. બીજી બાજુ AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે.

EDના સમન્સ ગેરકાદેસર: કેજરીવાલ
EDને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે, પરંતુ આ ED સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

હવે આગળ શું થશે?
કેજરીવાલ EDના આ છઠ્ઠા સમન્સનો જવાબ આપે છે કે નહીં તે જોવું રહ્યું. જો તેઓ હાજર નહીં થાય તો ED તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે. કેજરીવાલે વારંવાર તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેમનો દાવો છે કે ભાજપ તેમને બદનામ કરવા EDનો ઉપયોગ કરી રહી છે. કેજરીવાલનું કહેવું છે કે EDનું સમન્સ દિલ્હી સરકારના સારા કામો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.