May 3, 2024

લિકર પોલિસી કેસમાં EDએ કૈલાશ ગેહલોતની 5 કલાક પૂછપરછ કરી

Delhi Excise Policy Case: એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે (30 માર્ચ) દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. EDએ તેમને સમન્સ જારી કરીને બોલાવ્યા હતા. નોંધનીય છે કે, કૈલાશ ગેહલોતને મળેલું આ બીજું સમન્સ હતું. તેમને પ્રથમ સમન્સ વિધાનસભા સત્ર દરમિયાન મોકલવામાં આવ્યું હતું.

EDએ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં કૈલાશ ગેહલોતની કથિત ભૂમિકા અંગે પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કૈલાશ ગેહલોતે કહ્યું, ‘વિજય નાયર મારા સરકારી આવાસ પર રહે છે, મારો પરિવાર અંગત કારણોસર શિફ્ટ થયો નથી.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘જો ED મને બોલાવશે, તો હું પણ આગળ આવીશ.’ તેણે કહ્યું, ‘આતિશી ગોવા ચૂંટણીના પ્રભારી હોવાની મને કોઈ માહિતી નથી.’

કૈલાશ ગેહલોતે કહ્યું કે, EDએ જે પણ પ્રશ્નો પૂછ્યા, મેં તે બધાના જવાબ આપ્યા. મેં પૂરો સહકાર આપ્યો. તેણે કહ્યું, ‘વિજય નાયર વિશે પૂછવામાં આવ્યું હતું. હું ક્યારેય એ ઘરમાં શિફ્ટ થયો નથી. વધુમાં કહ્યું કે, વિજય નાયર ત્યાં રહેતો હતો કે કેમ તે અંગે મારી પાસે કોઈ માહિતી નથી, આ અમે કહ્યું છે.

આ પણ વાંચો: કેજરીવાલની ધરપકડ બાદ તેના મોટા નેતાઓ કેમ ગાયબ છે?: મનજીન્દર સિંહ

તેમણે કહ્યું, ‘આ બીજું સમન હતું, પહેલું સમન એક મહિના પહેલા આવ્યું હતું પરંતુ હું હાજર નહોતો કારણ કે બજેટ સત્ર ચાલી રહ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલને 9 સમન્સ પછી પણ હાજર ન થવા અંગે પૂછવામાં આવ્યું તો કૈલાશ ગેહલોતે કહ્યું કે, હું આ અંગે કંઈ કહીશ નહીં.

તેણે કહ્યું કે, મને ગોવા વિશે કોઈ જાણકારી નથી, મારી જાણકારીમાં કંઈ નથી તેથી મારા માટે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, ‘ઇડીએ કયા પ્રશ્નો પૂછ્યા તે હું કહી કહીશ નહીં.’ તેમણે કહ્યું, ‘GoMની બેઠકમાં બનાવવામાં આવેલી નીતિઓ આપવામાં આવી હતી, નીતિના ડ્રાફ્ટ અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી હતી.તેમણે કહ્યું હતું કે, કોઈ કૌભાંડ થયું નથી. તપાસ આગળ વધતાં આ બાબત સ્પષ્ટ થશે.