June 25, 2024

Hemant Soren: હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી : થોડા દિવસથી ઝારખંડમાં રાજકીય હલચલ જોવા મળી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા ધરપકડ બાદ હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. હેમંત સોરેનના પિતા શિબુ સોરેનના નજીકના માનવામાં આવેલા ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બીજી બાજુ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ સમક્ષ ગઈકાલે રાત્રે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા હેમંત સોરેનની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરશે, આ કેસની સુનાવણી 2 ફેબ્રુઆરીએ થશે. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન હાઈકોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લેશે. બીજી બાજુ ઇડી આ કેસમાં વધુ પૂછપરછ માટે વિશેષ PMLA કોર્ટમાંથી સોરેનના રિમાન્ડની માંગ કરશે. ઇડીની ટીમે બુધવારે રાત્રે સાત કલાકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. સીએમ હેમંત રાજ્યપાલને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું.

રાજીનામુ આપ્યા પહેલા ધરપકડના મેમો પર સહી ન કરી
ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે હેમંતે પણ તેની ધરપકડ મોકૂફ રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેણે ઇડી દ્વારા આપવામાં આવેલા ધરપકડના મેમો પર સહી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યા બાદ જ તેમણે મેમો પર સહી કરી હતી. ઘરપકડ બાદ ઇડીએ તેનું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવ્યું હતું.

આ પણ વાંચો : ધરપકડ થાય તો હેમંત કલ્પના સોરેનને સીએમ બનાવશે?

ધરપકડ માટે ગૃહના અધ્યક્ષની પરવાનગી જરૂરી
ફોજદારી કેસમાં સીએમની ધરપકડ કરવા માટે વિધાનસભા અધ્યક્ષની પરવાનગી જરૂરી છે. ધરપકડ કરવા માટે ઇડીને અધ્યક્ષને જાણ કરવી પડે છે. આ પ્રક્રિયાથી બચવા માટે ઇડીએ પહેલા સોરેનની અટકાયત કરી અને બાદમાં તેને રાજ્યપાલ પાસે લઈ ગઈ હતી અને રાજીનામુ આપ્યા બાદ જ ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.