January 23, 2025

‘ભૂકંપ’ ગાઝામાં, માલદિવ્સમાં ‘સુનામી’

MALDIVES - NEWSCAPITAL

ભૂકંપ ક્યારેક સુનામી લાવે છે. માલદિવ્સમાં ભારત વિરોધી સુનામીની અસરો આપણે જોઈ રહ્યા છીએ.

જેમાં એના ભારત વિરોધી પ્રેસિડન્ટ મોહમદ મુઇઝ્ઝુ જ ડૂબી જાય તો પણ નવાઈ નહીં, પણ આ સુનામી આવવાનું એક કારણ પણ એક ભૂકંપ જ છે.

માલદિવ્સથી ૫૧૨૬ કિલોમીટર દૂર આવેલા ગાઝાની ધરતી હલી, અહીં ઉથલપાથલ મચી. અહીં ઇઝરાયલે પોતાના પરના હુમલાના જવાબમાં જબરદસ્ત આક્રમણ કર્યું. અહીં ઇઝરાયલની વાત એટલા માટે કરવાની છે કે આખાય પ્રકરણમાં ઇઝરાયલ પણ મહત્ત્વનું એક પાત્ર છે

સ્વાભાવિક રીતે સવાલો થાય કે આ યુદ્ધની આખરે માલદિવ્સ અને ભારતના સંબંધો પર કેવી અને શા માટે અસર થઈ?, માલદિવ્સમાંથી ભારત વિરોધી ટ્વીટ્સમાં શા માટે ઇઝરાયલનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે?, માલદિવ્સ વિરુદ્ધ લક્ષદ્વીપ લડાઈમાં ઇઝરાયલ કેવી રીતે કૂદી પડ્યું?

માલદિવ્સની સ્ટોરીને સમજવા માટે આ સવાલોના જવાબો જાણવા જરૂરી છે.

અણબનાવનું એક કારણ ઇઝરાયલ

માલદિવ્સના ત્રણ મિનિસ્ટર્સ મરિયમ શિઉના, મલશા શરીફ અને મઝહૂમ માજિદને પીએમ મોદીની લક્ષદ્વિપ વિઝિટ ખૂંચી ગઈ. એ વાત બધે જ જણાવવામાં આવી છે. આ કારણ તો છે જ, માલદિવ્સને લાગ્યું કે એના ટુરિસ્ટ્સને ભારત છીનવી લેવા માગે છે, પરંતુ આખાય પ્રકરણમાં માલદિવ્સ અને ભારત વચ્ચે અણબનાવનું એક કારણ ઇઝરાયલ પણ છે. યુદ્ધ માત્ર બે દેશો વચ્ચે લડાતું નથી, પરંતુ કોઈને કોઈ રીતે એની સાથે અનેક દેશો હવે ભાગીદાર થઈ જાય છે. ઇઝરાયલ અને હમાસ આતંકવાદી ગ્રૂપ વચ્ચેના યુદ્ધે પણ દુનિયાને બે ભાગમાં વિભાજિત કરી. ભારત અને માલદિવ્સ હવે સામસામેના કૅમ્પમાં આવી ગયા. જ્યાં ભારતે ઇઝરાયલ પરના હમાસ આતંકવાદી ગ્રૂપની આકરી ટીકા કરી તો માલદિવ્સે પેલેસ્ટિનને સપોર્ટ આપ્યો.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને તાત્કાલિક બંધ કરવા માટે હાકલ કરતા જોર્ડનના ઠરાવ પર મતદાનથી ભારત શરૂઆતમાં બાકાત રહ્યું. કદાચ આ જ કારણસર મરિયમ શિઉનાએ તેમની પોસ્ટમાં પીએમ મોદીને ‘ઇઝરાયલના કઠપૂતળી’ કહ્યા.

માલદિવ્સને શું ખૂબ ખુંચે છે ?

ભારત ઇઝરાયલને સપોર્ટ આપે છે એ વાત પણ માલદિવ્સને ખૂબ ખુંચે છે. બીજી તરફ માલદિવ્સ સ્વતંત્ર પેલેસ્ટિન દેશ માટેની ડિમાન્ડને સંપૂર્ણપણે સપોર્ટ આપે છે. માલદિવ્સના બીચ પર પેલેસ્ટિનનો ધ્વજ પણ જોવા મળ્યો છે. ગાઝામાં ઇઝરાયલના આક્રમણની શરૂઆત થઈ છે ત્યારથી ઇન્ડિયન મીડિયા અને સોશ્યલ મીડિયા પર એક રીતે ઇઝરાયલને જ સપોર્ટ આપવામાં આવ્યો છે. ઇઝરાયલના સપોર્ટમાં ભારતીયોએ અનેક પોસ્ટ્સ મૂકી છે. એટલે જ હવે જ્યારે માલદિવ્સ વિરુદ્ધ લક્ષદ્વીપની એક નોખી જંગ શરૂ થઈ ત્યારે ઇઝરાયલે ખુલીને લક્ષદ્વીપને સપોર્ટ આપ્યો. શરૂઆતમાં ઇઝરાયલને સંપૂર્ણ સપોર્ટ આપ્યા બાદ ભારતે આખાય વિવાદમાં બેલેન્સ કરવાની કોશિશ કરી છે, પરંતુ માલદિવ્સે ભારત સરકારના આ પ્રયાસો સામે આંખ બંધ કરી દીધી હોય એમ જણાય છે.MALDIVES - NEWSCAPITALમુઇઝ્ઝુને હટાવવાની માગ

માલદિવ્સે આવા માહોલને કારણે પોતાના જ મનમાં ઝેર રેડવાની શરૂઆત કરી. સ્વાભાવિક રીતે એ જ હવે આ ઝેરની અસરો ભોગવી રહ્યું છે. માલદિવ્સમાંથી હવે મુઇઝ્ઝુને હટાવવાની માગણી ઊઠી રહી છે. મુઇઝ્ઝુના સંરક્ષણ વિના તેમના મંત્રીઓ માલદિવ્સ વિરુદ્ધ લક્ષદ્વીપની લડાઈ શરૂ કરાવે એમ માનવું મુશ્કેલ છે. પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને એ પછી ટુરિઝમમાં માલદિવ્સને લક્ષદ્વીપ કેવી રીતે ટક્કર આપી શકે છે એની ચર્ચા હજી પણ ચાલી રહી છે.

વિવાદનું એપિસેન્ટર લક્ષદ્વીપ

આ વિવાદનું એપિસેન્ટર લક્ષદ્વીપ છે તો આપણા મહાન નેતા સરદાર પટેલનો પણ આપણે સૌએ આભાર માનવો રહ્યો. જેમના કારણે જ લક્ષદ્વીપ ભારતનો ભાગ છે. લક્ષદ્વીપનો જમીનનો એરિયા માત્ર ૩૨.૬૯ કિલોમીટર જ છે, પરંતુ એનું લોકેશન એને ભારત માટે ખાસ બનાવે છે. જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો લક્ષદ્વીપ પર પાકિસ્તાનનો કબજો હોત. ભારતને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે અંગ્રેજોથી આઝાદી તો મળી ગઈ, પરંતુ એના પછી સેંકડો રજવાડાઓમાં વિભાજિત ભારતને એક કરવાની કામગીરી સરદાર સાહેબે કરી. તેમને લક્ષદ્વીપ પર કબજો કરવાના પાકિસ્તાનના બદઇરાદાનો અણસાર આવી ગયો હતો. એટલે જ તેમણે દક્ષિણમાં મુદાલિયર બંધુઓને તેમની આર્મી લઈને ઝડપથી લક્ષદ્વીપ જઈને ત્યાં ત્રિરંગો લહેરાવવા કહ્યું હતું. સરદારની સૂચનાથી રામાસ્વામી અને લક્ષ્મણસ્વામી મુદાલિયર તરત લક્ષદ્વીપ પહોંચ્યા અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ લોકો લક્ષદ્વીપ પહોંચ્યા એના થોડા કલાકો બાદ જ પાકિસ્તાનનું યુદ્ધજહાજ પણ ત્યાં આવી ગયું હતું. જોકે, ભારતનો ત્રિરંગો જોઈને તેઓ અફસોસ કરીને પાછા ફરી ગયા. લક્ષદ્વીપને ભારતમાં સામેલ કરવામાં આવ્યા બાદ ૧૯૫૬થી એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો.

દેશની સુરક્ષામાં લક્ષદ્વિપનું ખૂબ જ મહત્ત્વ

આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં દૂર દૂર સુધી જહાજો પર નજર રાખી શકાય છે. દરિયામાં ચીનના વધતા હસ્તક્ષેપ બાદ ભારત લક્ષદ્વીપમાં મજબૂત લશ્કરી થાણું સ્થાપી રહ્યું છે. જેથી દરિયામાં ગતિવિધિ પર નજર રાખી શકાય. હવે ટુરિસ્ટ્સ વધુ આવશે ત્યારે લક્ષદ્વીપ ચોક્કસ જ વાઇબ્રન્ટ ડેસ્ટિનેશન બનશે.

Story : Rushang Thakar