May 17, 2024

પતિ મોદી-મોદીના નારા લગાવે તો રાત્રે ભોજન ન આપોઃ કેજરીવાલની મહિલા મતદારોને અપીલ

Lok Sabha Elections 2024 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે શનિવારે મહિલાઓને કહ્યું કે જો તમારા પતિ પીએમ નરેન્દ્ર મોદીના નામના જપ કરતાં હોય તે તેણે તેમના પતિને રાત્રિભોજન ન પીરસવું જોઇએ.

આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલે દિલ્હીમાં ‘મહિલા સન્માન સમારોહ’ નામના ટાઉનહોલ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે ઘણા લોકો પીએમ મોદીના નામનો જપ કરી રહ્યા છે, પરંતુ તમારે તેને સુધારવું પડશે. કેજરીવાલે મહિલાઓને કહ્યું કે જો તમારા પતિ મોદીનું નામ બોલે, તો તેમને કહો કે તમે તેમને રાત્રિભોજન નહીં પીરસો.

મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે
દિલ્હી સરકારે તેના 2024-25ના બજેટમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાની માસિક રકમ આપવાની યોજના જાહેર કર્યા પછી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘આપ’ને મત આપવા અપીલ કરો
સીએમ કેજરીવાલે મહિલાઓને કહ્યું કે તેઓ તેમના પરિવારના સભ્યોને શપથ લે અને તમને અને આમ આદમી પાર્ટીને સમર્થન કરે. કેજરીવાલે મહિલાઓને બીજેપીનું સમર્થન કરતી અન્ય મહિલાઓને કહેવાનું પણ કહ્યું હતું કે માત્ર તમારા ભાઈ કેજરીવાલ તમારી સાથે ઊભા રહેશે.

મહિલાઓને વધુ એક ભેટ
મહિલાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે મેં તમારા ઘરની વીજળી ફ્રી કરી છે.મહિલાઓ માટે બસ ટિકિટ ફ્રી કરી દીધી છે અને હવે હું મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપું છું. ભાજપે તેમના માટે શું કર્યું? તો પછી ભાજપને વોટ શા માટે? આ વખતે કેજરીવાલને મત આપો.

મહિલા સશક્તિકરણના નામે છેતરપિંડી
દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે અત્યાર સુધી મહિલાઓના સશક્તિકરણના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી.વધુમાં કેજરીવાલને પૂછ્યું કે, પાર્ટીઓ કોઈ મહિલાને કોઈ પદ આપે છે અને કહે છે કે મહિલાઓ સશક્ત થઈ ગઈ છે. હું એમ નથી કહેતો કે મહિલાઓને હોદ્દો ન મળવો જોઈએ, મહિલાઓને મોટું પદ અને ટિકિટ મળવી જોઇએ, તેમને બધું મળવું જોઈએ. પરંતુ આનો લાભ માત્ર બે-ચાર મહિલાઓને જ મળે છે. અન્ય સ્ત્રીઓને શું મળે છે?