જૂનાગઢમાં દામોદરજી મંદિરમાં ઉજવાયો ‘ડોલ ઉત્સવ’
જૂનાગઢ: આજના દિવસે પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિરમાં ફૂલફાગ ડોલ ઉત્સવ ઉજવાયો હતો. ધુળેટી પર્વ નિમિત્તે ભગવાન દામોદરજીને ફુલોથી હોળી ખેલાવાય છે. 251 કિલો ગુલાબની પાંદડી થી ડોલોત્સવ ઉજવાયો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ રંગોના પર્વની ઉજવણી કરી હતી.
વ્રજમાં હોળીનું ખુબ મહત્વ
જૂનાગઢના પૌરાણિક શ્રી રાધા દામોદરજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ડોલોત્સવ યોજાયો હતો. જેમાં 251 કિલો ગુલાબની પાંદડીનો મનોરથ કરાયો હતો. ભગવાન શ્રી રાધા દામોદરજી ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે, ભગવાન શ્રી કૃષ્ણ ની રાધાજી અને ગોપીઓ સાથેની હોળી જગવિખ્યાત છે, આજે પણ વ્રજમાં હોળીનું ખુબ જ મહત્વ છે અને ખુબજ ઉત્સાહભેર તેની ઉજવણી થાય છે, જે રીતે વ્રજમાં હોળીની ઉજવણી થાય છે તે જ રીતે પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓ અને મંદિરોમાં પણ વસંતપંચમી થી જ હોળીની ઉજવણી અને મનોરથ શરૂ થઈ જાય છે. અને ધુળેટીના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે.
ધન્યતા અનુભવે છે
આજે ધુળેટી નિમિત્તે મંદિરમાં ભગવાન શ્રી દામોદરજીને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યા હતા, જે રીતે આપણે રંગ ઉડાડીને હોળી ઉજવીએ છીએ તે રીતે ભગવાન પણ હોળી રમે છે પરંતુ તે કોઈ કેમિકલવાળા કલર થી હોળી નથી રમતાં પરંતુ સુગંધિત પુષ્પથી તેને હોળી ખેલાવવામાં આવે છે, 251 કિલો ગુલાબની પાંદડી ઠાકોરજીના શ્રીમુખ સુધી પહોંચી જાય છે, આ પાંદડી પ્રથમ ભગવાનને ધરાવ્યા બાદ ઉપસ્થિત વૈષ્ણવો પર ઉડાડવામાં આવે છે, આમ ભગવાન અને ભક્ત વચ્ચે હોળી રમવાનો ભાવ પ્રગટ થાય છે અને ભાવિકો ઠાકોરજી સમક્ષ હોળી રમ્યાનો આનંદ મેળવી ધન્યતા અનુભવે છે.