May 18, 2024

રાજકોટમાં લોકશાહીની પ્રક્રિયા અને ચૂંટણીને દૂષિત કરનારા પરિબળોની કરાઈ હોળી

ઋષિ દવે, રાજકોટ: રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે મતદાનમાં નડતરરૂપ પરિબળોની હોળી કરવામાં આવી હતી. લોકશાહીની મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરનારા પરિબળો જેવા કે અનૈતિક તત્વ, માદક દ્રવ્ય, બળ પ્રયોગ, હિંસા, લોભ, લાલચ, આળસ વગેરેના પોસ્ટર બાળીને તેનું પ્રતીક દહન કરવામાં આવ્યું હતું. હોળીના પ્રાગટ્ય પૂર્વે તમામ અધિકારીરીઓએ હોળીનું પરંપરાગત પૂજન કર્યું હતું.

આ પર્વ પર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ગ્રાઉન્ડમાં મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરતા વિવિધ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિવાર સાથે તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓએ સેલ્ફી બુથમાં સેલ્ફી તથા ફોટો લઇને મતદાન માટેની પ્રેરણા આપી હતી. આ સાથે લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાર્ટરના પી.આઈ. એમ.બી. મકવાણાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે શ્રીમતિ મિનલ રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર સુશ્રી વિધિ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુશ્રી અનન્યા કુલશ્રેષ્ઠ, ડેપ્યુટી ડિરેક્ટર ઓફ ઇન્કમટેક્સ શ્રી આદર્શ તિવારી, ડી.સી.પી. સર્વશ્રી સજનસિંહ પરમાર, ડૉ. સુધીર દેસાઈ, ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, સુશ્રી પૂજા યાદવ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી રાજશ્રી વંગવાણી, સ્વીપના નોડલ નાયબ કલેક્ટર સુશ્રી જીજ્ઞાબેન ગઢવી, જિલ્લા ચૂંટણીતંત્રની સ્વીપ એક્ટિવિટીની ટીમ, પોલીસ અધિકારીઓ, જવાનો તેમજ શહેર પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.