November 18, 2024

DGCAએ Air Indiaને 1.10 કરોડનો દંડ ફટકાર્યો

DGCAએ ડોમેસ્ટિક એરલાઈન એર ઈન્ડિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરલાઇન પર 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છેકે, એર ઈન્ડિયાની કેટલીક લાંબા અંતર પર ચાલતી ફ્લાઈટ્સમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. સુરક્ષા સંબંધિત ઉલ્લંઘનને કારણે એરલાઇન પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનો મુજબ, નિયામકે એરલાઇનના કર્મચારી પાસેથી સ્વૈચ્છિક સુરક્ષા અહેવાલ મળ્યા બાદ વિગતવાર તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ લાંબા અંતરના રૂટ પર એર ઈન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઈટ્સમાં સુરક્ષા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

કારણ બતાવો નોટીસ અપાઈ
DGCAના જણાવ્યું મુજબ, તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ એરલાઇન દ્વારા પાલન ન થયું હોવાનું બહાર આવ્યું છે. એ બાદ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. સુરક્ષા અહેવાલ એર ઈન્ડિયા દ્વારા સંચાલિત લીઝ્ડ એરક્રાફ્ટ સાથે સંબંધિત છે. ડીજીસીએએ નિવેદનમાં જણાવ્યું હતું કે, લીઝ પર લીધેલા એરક્રાફ્ટનું સંચાલન નિયામક/ઓઈએમ કામગીરીની નિયમો અનુસાર નથી. જેના કારણે ડીજીસીએએ અમલીકરણની કાર્યવાહી કરી છે. જેમાં એર ઈન્ડિયા પર રૂ. 1.10 કરોડનો દંડ લગાવ્યો છે.

ગયા વર્ષે નોંધાઈ હતી ફરિયાદ 
બી777ના ભૂતપૂર્વ પાયલટે ગયા વર્ષે ઓક્ટોબરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએને નિયમોના ભંગ અંગે જાણ કરી હતી. આ ફરિયાદ એર ઈન્ડિયા દ્વારા ભાડે લીધેલા B777 એરક્રાફ્ટની હતી. તેમણે કહ્યું કે, એરલાઈન્સ ઈમરજન્સી ઓક્સિજન સપ્લાયની જરૂરી વ્યવસ્થા વિના આ વિમાનોમાં લાંબા રૂટની મુસાફરી કરવામાં આવે છે. એર ઈન્ડિયા દ્વારા ભાડે લીધેલા B777 એરક્રાફ્ટમાં રાસાયણિક ઓક્સિજન જનરેશન સિસ્ટમ છે, પરંતુ તે લગભગ 12 મિનિટ સુધી ચાલે છે. જેનો સાન ફ્રાન્સિસ્કો અને ત્યાંથી આવતી એરલાઈન્સની સીધી ફ્લાઈટમાં ઉપયોગ થતો નથી.

આ પહેલા ઈન્ડિગોને દંડ
થોડા સમય પહેલા જ દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો પર 1.20 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. કંપનીની ફ્લાઈટના મુસાફરો રનવે પર આવી ગયા હતા અને ત્યાં જ ખાવાનું શરૂ કરી દીધું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ ઘટનાક્રમ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.