September 8, 2024

મોજપ સીમ દરિયાકિનારેથી ચરસના 21 પેકેટ્સ મળ્યાં, કિંમત 11 લાખથી વધુ

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના દરિયાકિનારાઓ ડ્રગ્સમય બન્યા હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. અવારનવાર દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં કેફી પદાર્થો મળી આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના મોજપ સીમ દરિયાકાંઠેથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મોજપ સીમ દરિયાકાંઠેથી માદક પદાર્થ મળી આવ્યો છે. દરિયાકિનારેથી ચરસના કુલ 21 પેકેટ મળી આવ્યાં છે. તેનું કુલ વજન અંદાજે 23.68 કિલોગ્રામ છે અને તેની બજાર કિંમત અંદાજે 11.84 લાખ રુપિયા છે.

પહેલાં કચ્છમાંથી પકડાયું હતું ડ્રગ્સ
કચ્છના દરિયાકિનારેથી વધુ એકવાર મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. BSFના સર્ચ ઓપરેશન દ્વારા દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. કચ્છના ખીદરત ટાપુ પરથી ચરસનાં 10 પેકેટ્સ મળી આવ્યાં છે. BSF, સ્ટેટ IB, જખૌ મરીન પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. 2 દિવસમાં ચરસનાં 21 બિનવારસી પેકેટ્સ મળી આવ્યાં છે. હવે પોલીસ દરિયાકિનારે બાજ નજર નાંખી રહી છે. કારણ કે, અવારનવાર અલગ અલગ ટાપુ પરથી ડ્રગ્સ ઝડપાય છે.

દ્વારકામાંથી પણ પકડાયું હતું ડ્રગ્સ
દ્વારકા તાલુકાના દરિયાઈ વિસ્તારોમાંથી છેલ્લા નવ દિવસમાં બિનવારસી હાલતમાં ચરસનો વિશાળ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. સાત તારીખે મીઠાપુર પાસેના વિસ્તારમાંથી વરવાડા નજીકથી જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ મોજપ, વાછુ સહિતના દરિયાઈ કિનારા વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયા બાદ દરિયાઈ કિનારા વિસ્તારમાંથી વધુ પેકેટો ઝડપાયા હતા. જેમાં અત્યાર સુધીમાં કુલ નવ દિવસમાં પોલીસને 123 કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપાયો છે. જેની બજાર કિંમત કુલ 61 કરોડ અને 86 લાખ થવા જાય છે. ત્યારે આ બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપી પડ્યા બાદ વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તેમ જ દરિયાઈ કિનારા વિસ્તારમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે સાથે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા હજુ પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ચોપરેશન કિનારા વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.