December 24, 2024

દિલ્હીના CM જેલમાં જ રહેશે, અરજી ફગાવી, HCએ કહ્યું- ધરપકડ માન્ય છે

Arvind Kejriwal Case Verdict: મંગળવારે (9 એપ્રિલ) દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. બીજી બાજુ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને માન્ય ગણાવી હતી. કોર્ટે કહ્યું કે આ જામીનનો મામલો નથી. ધરપકડ કરવાનો પડકાર છે. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDના રિમાન્ડને ગેરકાયદે ન કહી શકાય.

દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે EDની દલીલ એ છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે કેજરીવાલ કન્વીનર છે, ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કેજરીવાલના વકીલે આનો વિરોધ કર્યો અને શરથ રેડ્ડી અને રાઘવ મુંગટાના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તપાસ એજન્સી દ્વારા નહીં. જો પ્રશ્ન ઊભો થાય તો પ્રશ્ન મેજિસ્ટ્રેટ પર છે.

આ પણ વાંચો: ચૂંટણી કમિશનર રાજીવ કુમારને અપાઈ Z કેટેગરીની સુરક્ષા

બીજી બાજુ હાઈકોર્ટે કહ્યું કે આરોપીના હિસાબે તપાસ ન થઈ શકે. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મુખ્યમંત્રી માટે કોઈ વિશેષાધિકાર નથી. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી દ્વારા ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. એમ પણ કહ્યું કે આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે.

EDએ શું કહ્યું?
ન્યૂઝ એજન્સી અનુસાર, ઈડીએ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીના આધારે ધરપકડમાંથી મુક્તિનો દાવો ન કરી શકે કારણ કે કાયદો તેમને અને કોઈપણ સામાન્ય નાગરિકને સમાન રીતે લાગુ પડે છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલની લાંબી પૂછપરછ બાદ 21 માર્ચના રોજ ED દ્વારા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ EDએ તેને 22 માર્ચે નીચલી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. 1 એપ્રિલે, કોર્ટે તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. હાલમાં મુખ્યમંત્રી કેજરીવાલ તિહાર જેલમાં છે.