January 24, 2025

દિલ્હી કોચિંગ દુર્ઘટનાને લઈને હાઇકોર્ટની કડકાઇ, કાલે રિપોર્ટ દાખલ કરવા પોલીસને કર્યો આદેશ

દિલ્હી હાઇકોર્ટ: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજી પર આજે બુધવારના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કડકાઈ દર્શાવતા કહ્યું કે દરેક વ્યક્તિ એકબીજાને ખો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું પોલીસ MCD અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે?

હાઈકોર્ટનો આદેશ
હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાએ આદેશ આપતા કહ્યું કે દિલ્હી પોલીસે આવતીકાલે આ મામલે રિપોર્ટ દાખલ કરે. સુનાવણી દરમિયાન MCD કમિશનરે પણ વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ અધિકારી અને ડીસીપીએ પણ કોર્ટમાં હાજરી આપે. ડ્રેનેજ સિસ્ટમ પર જે પણ અતિક્રમણ છે તે દૂર કરવામાં આવે. જો MCDના ટોચના અધિકારીઓ પોતે ફિલ્ડમાં જશે તો થોડો ફેરફાર થશે.

જજે વધુમાં કહ્યું, “આ ભોંયરું કેવી રીતે બન્યું?” આ બનાવવા માટેની પરમીશન કયા એન્જિનિયરે આપી? તેમાંથી પાણી કાઢવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી? શું આ બધા જવાબદાર લોકો બચી જશે? આની તપાસ કોણ કરશે? શું કોઈ MCD અધિકારી જેલમાં ગયો છે? માત્ર ત્યાંથી પસાર થતાં એક કારચાલકને પકડી લેવામાં આવ્યો. આ રીતે જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે. આવી ઘટનાઓ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ મામલે હવે શુક્રવારે બપોરે 2.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજદારના વકીલની દલીલો
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે એવું લાગે છે કે આપણે જંગલમાં રહીએ છીએ. નિયમો કહે છે કે ગેરકાયદે બાંધકામ અથવા સલામતીના નિયમોની અવગણના પ્રકાશમાં આવે કે તરત જ MCD અને અન્ય વિભાગોએ પગલાં લેવા જોઈએ. શું તેઓને ક્યાંય કોઈ અનિયમિતતા દેખાતી નથી?

વકીલે વધુમાં કહ્યું, “એક વિદ્યાર્થીએ રાજેન્દ્ર નગર ભોંયરામાં ચાલતી કોચિંગ સંસ્થાઓ વિશે ફરિયાદ કરી હતી. રીમાઇન્ડર પણ બે વખત મોકલવામાં આવ્યા હતા. પરંતુ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.” એ પણ જોવું જોઈએ કે ફરિયાદ પર શું કાર્યવાહી થઈ? ફરિયાદની તપાસ માટે કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી? કોર્ટે દિલ્હીના દરેક જિલ્લામાં ગેરકાયદે બાંધકામની તપાસ માટે જિલ્લા સ્તરીય સમિતિઓ પણ બનાવવી જોઈએ.